નસવાડી: કુકરદા ગામની સગર્ભા મહિલાને રસ્તાના અભાવે 108 સુધી પહોંચાડવા પરીવારજનો એક કીમી લાકડાની ઝોળીમાં ઉંચકીને રોડ સુધી લાવ્યા હતા. સમગ્ર ઘટના સ્થાનિક ગ્રામજને મોબાઈલ કેમેરામાં ઉતારી વાયરલ કરતા વિકાસના દાવાની પોલ ખુલી છે. એક કીમી ઉંચક્યા બાદ ખાનગી જીપમાં 2 કીમી સુધી લાવ્યા પછી 108 માં સગર્ભાને સોંપી છતાંય અડધા રસ્તે 108 અંદર જ મહિલાને પ્રસુતી થઈ. 


છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કુકરદા ગામે આઠ જેટલાં ફળિયાની 3000 જેટલી વસ્તી પાકા રસ્તાથી વંચિત છે. જેમાં ડુંકતા ફળિયામાં ડુ ભીલ મજુલા બેનને પ્રસુતાંનો દુખાવો ઉપડતા સરકારી દવાખાને લઈ જવાની તૈયારી કરાઈ જેમાં 108ને કોલ કરતા 108 આવી પરંતુ કુકરદા બસ સ્ટેન્ડ પર આવી કારણ કે કાચા રસ્તા હોય 108 અંદર આવે તેમ નથી. જેને લઈ મંજુલા બેનને  તેના પરિવારજનો ઝોળીમાં નાખી એક કિલોમીટર કાચા રસ્તે પગપાળા ઉંચકીને બહાર લાવ્યા. ત્યાં ખાનગી જીપ બોલાવી તેં જીપમાં નાખીને 2 કીમી બહાર લાવ્યા અને 108ને સગર્ભાને સોંપી 108 નીકળી અને અડધા રસ્તે પોંહચતા રસ્તામાં જ 108ની અંદર સગર્ભાને પ્રસુતી થઈ ગઈ. જો કે તણખલા દવાખાને પ્રસુતાં અને તેના બાળકને લાવેલ જ્યાં બંનેની હાલત સ્થિર છે.


ડુંગરાળ વિસ્તાર એવા કુકરદા ગામે કાચા રસ્તા હોય અવાર નવાર ગ્રામજનોની રજુઆત ધ્યાન પર લેવાઈ નથી. કાયમ 108 કુકરદાના અંદરના ફળિયામાં આવતી ન હોય ગ્રામજનો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.  કુકરદા ગામે મુખ્ય રસ્તાને જોડતા ફળિયાના પાકા રસ્તા બનાવે તેવી ગામલોકોની માંગ છે.


OBC કમિશનની રચના મામલે હાઈકોર્ટે ગુજરાત સરકારની કાઢી ઝાટકણી


અમદાવાદ:  રાજ્યમાં કાયમી ધોરણે ઓબીસી કમિશનની નિમણૂકની માંગ સાથે હાઇકોર્ટમાં પિટિશન કરવામાં આવી છે. રાજ્ય સરકાર પરિપત્રના આધારે કમિશનના વડાની નિમણૂક કરે તે પૂરતું નહીં હોવાની હાઇકોર્ટમાં રજૂઆત કરવામાં આવી છે. હવે આ મામલે હાઇકોર્ટે સરકારની ઝાટકણી કાઢી છે. શા માટે કાયમી ઓબીસી કમીશનની સ્થાપના નથી થઈ તેવા કોર્ટે સવાલ ઉઠાવ્યા હતા.  નિવૃત્ત જજની અપોઈન્ટમેન્ટ એ કમિશનની રચના ન ગણાય તેવી હાઇકોર્ટે સરકારને ટકોર કરી હતી.


કમિશનની સ્થાપનાના મુદ્દે સરકાર ઠોસ પગલાં ઉઠાવે તેવી કોર્ટે તાકીદ કરી હતી. અન્ય પછાત વર્ગના સમાવેશ અને તે અંગેની કાર્યવાહી અને જ્ઞાતિઓને પછાત વર્ગમાંથી બહાર મુકવાની કામગીરી માટે સ્થાયી ઓબીસી કમિશન જરૂરી હોવાની રજૂઆત સાથે હાઇકોર્ટમાં પિટિશન થઈ છે. હવે આ મમાલે 2 માર્ચ સુધીમાં સરકારે જવાબ રજૂ  કરવાનો રહેશે.


તો બીજી તરફ આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી આ મામલે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, ભાજપ OBC વિરોધી માનસિકતા ધરાવે છે.  એટલા માટે હજુ સુધી OBC કમિશનની રચના નથી કરી. આ બાબતે હાઈકોર્ટે ભાજપ સરકારની ઝાટકણી કાઢી છે. કમિશન ન હોવાને કારણે OBC સમાજનાં લોકો જરૂરી માંગણીઓ અને અનામતથી મળવાનાં લાભથી આજે પણ વંચિત છે.