આજે હનુમાન જયંતિના પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોરબીમાં 108 ફૂટની હનુમાનજીની પ્રતિમાનું વર્ચ્યુઅલી અનાવરણ કર્યું હતું.  દેશના ચારેય ખૂણે હનુમાનજીની પ્રતિમા બનાવવાનો પ્રોજેક્ટ હાલ ચાલી રહ્યો છે. આ પ્રોજેક્ટના ભાગરુપે મોરબી બાપૂ કેશવાનંદ આશ્રમમાં 08 ફૂટની હનુમાનજીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે.


એક ભારત શ્રેષ્ઠ ભારતનો સંકલ્પઃ
હનુમાનજીની પ્રતિમાના અનાવરણ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંબોધન કર્યું હતું. સંબોધનમાં તેમણે કહ્યું કે, ઈશ્વારની કૃપા વગર સંતોના દર્શન દુર્લભ હોય છે. છેલ્લા થોડા દિવસોમાં ઉમિયા ધામ, અન્નપૂર્ણા ધામના દર્શનના અવસર મને મળ્યો છે. આજે હનુમાન જયંતીએ વધુ એક વાર સંતોના સમાગમની તક મળી છે. હનુમાનજીની આવી મૂર્તિઓ દેશના ચાર ખૂણમાં બનાવાઈ રહી છે. આ બાબત એક ભારત શ્રેષ્ઠ ભારતના સંકલ્પનો જ એક ભાગ છે. હનુમાનજી પોતાની ભક્તિ અને સેવાભાવથી સૌને જોડે છે. તેઓ શક્તિ અને સંબલ છે જેઓએ વનવાસી પ્રજાતિઓ અને વનબંધુઓને માન અને સન્માનનો અધિકાર અપાવ્યો. તેથી એક ભારત શ્રેષ્ઠ ભારતના પણ હનુમાનજી પ્રતિક છે. 


મચ્છુ ડેમની દુર્ઘટનામાંથી શિખ્યાઃ
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, આજે મોરબીમાં કેશવાનંદ બાપુની તપોભૂમિમાં બધાના દર્શન કરવાની તક મળી છે. સૌરાષ્ટ્રની ધરતી સંત, શૂરા અને દાતાની ધરતી છે. આ ભૂમિ ગુજરાતની આગવી ઓળખ છે. મારા માટે પોખરા હનુમાન ધામ ઘર જેવુ છે. પીએમ મોદીએ યાદ કરતાં કહ્યું કે, પોખરા હનુમાન ધામ સાથે મારો નાતો કર્મનો અને પ્રેરણાનો રહ્યો છે. જ્યારે પણ મોરબી આવવાનું થતું ત્યારે હનુમાન ધામ જતો હતો. પૂજ્ય બાપુ પાસે સમય વિતાવતો. જ્યારે મચ્છુ ડેમની દુર્ઘટના ઘટી ત્યારે આ હનુમાન ધામ પ્રવૃત્તિથી ધમધમતુ હતું. ત્યારે બાપુ સાથે મારો નાતો વધુ ઘનિષ્ઠ થયો હતો. ચારેતરફથી લોકો સેવાના કામ માટે આવતા, ત્યારે આ ધામ સેવાનુ મથક બન્યું. એ દુઃખનના સમયમાં હુ સામાન્ય સેવકની જેમ જોડાયો હતો. તે સમયે પૂજ્ય બાપુ સાથે જે વાતો થતી તેમાં મોરબીને ભવ્ય બનાવવાની વાતો થતી. હવે આપણે અટકવાનુ નથી. મોરબીની દુર્ઘટનામાંથી જે પાઠ અને અનુભવ લીધા હતા તે કચ્છના ભૂકંપમાં કામ કરવામાં લેખે લાગ્યો. તેથી આ પવિત્ર ધરતીનો હુ ઋણી રહ્યો છું. જેમ ભૂકંપ પછી કચ્છ ઝળહળ્યુ, તેમ મોરબીએ આફતને અવસરને પલટવાની તાકાત બતાવી છે.