વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારથી ગુજરાતની બે દિવસની મુલાકાતે આવશે. આ દરમિયાન તેઓ 5,950 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. તેઓ નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે અને બનાસકાંઠા જિલ્લાના અંબાજી મંદિરમાં પણ પૂજા-અર્ચના કરશે.
વડાપ્રધાન સોમવારે મહેસાણા જિલ્લાના ડભોડા ગામમાં એક રેલીમાં 5,950 કરોડ રૂપિયાના મૂલ્યના વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે, એમ ગુજરાત સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું. આમાં મહેસાણા અને અમદાવાદ જિલ્લામાં બે રેલ્વે પ્રોજેક્ટનો સમાવેશ થાય છે, જેમાં 77 કિલોમીટર લાંબો વેસ્ટર્ન ગુડ્સ કોરિડોર સેક્શન અને વિરમગામથી સામખીયાળી સુધીની 182 કિલોમીટર લાંબી રેલ્વે લાઇનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેઓ ગુજરાત રેલ્વે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશનના પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કરશે. મોદી મહીસાગર જિલ્લામાં સાબરમતી નદી અને પાનમ જળાશય આધારિત લિફ્ટ સિંચાઇ સંબંધિત પ્રોજેક્ટ્સ પણ સમર્પિત કરશે.
પ્રવાસન સુવિધાઓનું ઉદ્ઘાટન કરશે
પીએમ એકતા નગરમાં વિકાસ પરિયોજનાઓ અને પ્રવાસન સુવિધાઓનું ઉદ્ઘાટન કરશે. આમાં 30 ઈ-બસ, સાર્વજનિક બાઇક-શેરિંગ પ્રોગ્રામ, ગુજરાત ગેસ લિ. તરફથી બનાવવામાં આવેલ સિટી ગેસનું વિતરણ તેમજ એકતા નગરની મુલાકાત લેતા પ્રવાસીઓ માટે પરિવહનને સુવ્યવસ્થિત કરવા માટે ગોલ્ફ કાર્ટ સામેલ છે. આ ઉપરાંત વડાપ્રધાન 98મા કોમન ફાઉન્ડેશન કોર્સના અધિકારી તાલીમાર્થીઓને પણ સંબોધિત કરશે.
પટેલ જયંતિ પર વડાપ્રધાન મોદી યુવા ભારત સંગઠન લોન્ચ કરશે
પીએમ નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પર યુવાનોના દેશવ્યાપી સંગઠન મેરા યુવા ભારતની શરૂઆત કરશે. તેમણે રવિવારે મન કી બાતમાં આ અંગેની જાહેરાત કરી હતી. 31 ઓક્ટોબરે સવારે 6 વાગ્યે પીએમ મોદી સ્ટેચ્યૂ ઓફ યુનિટી માટે રવાના થશે. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી પર કેવડિયામાં આયોજિત એકતા પરેડમાં સામેલ થશે.