પોરબંદરઃ બરડા ડુંગરમાં ગર્ભવતી મહિલા બીટ ગાર્ડ અને તેના પતિ સહિત ત્રણ લોકોની હત્યાના પ્રકરણમાં પોલીસે હેતલના સાથી વન કર્મચારી લખમણ ઓડેદરાની ધરપકડ કરી છે. પોલીસે દાવો કર્યો છે કે, આ હત્યા અન્ય વનકર્મી લખમણ ઓડેદરા દ્વારા કરવામાં આવી હતી. લખમણ તથા હેતલ વચ્ચે અત્યંત ગાઢ પ્રેમ સંબધો હોવાનો દાવો પણ પોલીસે કર્યો છે.


જો કે હેતલ સોલંકી અને તેના પતિ કીર્તિ સોલંકી બંનેનાં માતા-પિતાએ લખમણ અને હેતલ વચ્ચે પ્રેમ સંબંધો હોવાની વાતને નકારી કાઢી છે. હેતલ સોલંકીના પિતા વશરામ રાઠોડે મીડિયાને જણાવ્યું કે, હેતલ-લખમણ વચ્ચે પ્રેમ સંબંધોની વાત ખોટી છે. પોલીસ આ કેસમાં તપાસ ઝડપથી પૂરી કરવાની ઉતાવળમાં હોય એવું લાગે છે. એક જ માણસે ત્રણ લોકોની હત્યા કરી નાંખી એ વાત જ ગળે ઉતરે તેવી નથી.

રાઠોડે કહ્યું છે કે, પોતે આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (સીટ) દ્વારા તપાસની માગણી કરશે. કીર્તિ સોલંકીના પિતા ગોવિંદ સોલંકીએ પણ આ જ માગમી દોહરાવીને હેતલ-લખમણના પ્રેમ સંબંધોની વાતને ખોટી ગણાવી છે.

જોકે , આ હત્યા પ્રકરણમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. બીટગાર્ડ હેતલને બાતમી મળી હતી કે બરડા ડુંગરમાં દારૂની ભઠ્ઠીઓ ચાલી રહી છે. આ બાતમીને આધારે ગેરકાયદેસર ચાલતી દેશીદારૂ બનાવવાની ભઠ્ઠી તોડવા માટે પોતાના શિક્ષક પતિ કીર્તિ સોલંકી અને રોજમદાર નાગાભાઈ સાથે પોતાની પર્સનલ કાર લઈને ગઈ હતી.

હવે આ હત્યા કેસમાં આરોપી તો સામે આવી ગયો છે, પરંતુ સવાલ ઉઠી રહ્યા છે કે, હેતલ સરકારી કામે જઈ રહી હતી, ત્યારે તેની સાથે તેનો શિક્ષક પતિ કેમ ગયો હતો ? એવો પણ સવાલ ઉઠ્યો છે કે, તે રેડ પાડવા જઈ રહી હતી, ત્યારે પોતાની પર્સનલ કાર લઈને કેમ ગઈ હતી ?

આ સવાલો અંગે કોઈ સ્પષ્ટ ઉત્તરો મળતા નથી પણ એવી ધારણા છે કે, પત્ની ગર્ભવતી હોવાથી પતિ તેની કાળજી રાખવા માટે સાથે રહેતો હતો. આ અંગે કોઈ સચોટ વિગતો જાણવા મળી નથી કે કોઈ સ્પષ્ટતા કરાઈ નથી.