વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આજે સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટનું ભૂમિ પૂજન થવાની સાથે સાથે સાથે અમદાવાદ મેટ્રો ફેઝ-2નું પણ ખાતમુહર્ત થયું છે.ગુજરાતને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સતત બીજા દિવસે મોટી ભેટ આપી છે.


આ બંને પ્રોજેક્ટનું પીએમ મોદી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઈ-ખાતમુહૂર્ત કર્યું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ઉપરાંત રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી હરદીપ સિંહ પુરી પણ ઉપસ્થિત રહ્યાં.

વાત અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટનું કરીએ તો, જે ફેઝ-2 પ્રોજેક્ટનો શિલાન્યાસ થવાનો છે તે ફેઝ-1 પ્રોજેક્ટનું વિસ્તરણ હશે. ફેઝ-2 પ્રોજેક્ટ અમદાવાદને ગાંધીનગર સાથે જોડશે. અમદાવાદ મેટ્રોલ રેલ પ્રોજેક્ટના બાકી રહેતા 33.5 કિલોમીટરની કામગીરી 15 ઓગસ્ટ 2022 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે.

ફેઝ-2 કોરિડોર એકની લંબાઈ મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર સુધીના 22.8 કિલોમીટરની છે. જેને ભવિષ્યમાં સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એયરપોર્ટ સાથે જોડવામાં આવે તેવી તેવી જોગવાઈ રાખેલ છે.

મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર એલિવેટેડ કોરિડોરમાં 20 એલિવેટેડ સ્ટેશનો છે. GNLUથી ગિફ્ટ સિટી સુધીની બે એલિવેટેડ સ્ટેશન સાથે કોરિડોર-2ની લંબાઈ 5.4 કિલોમીટર છે. જેમાં GNLU પાસે મેટ્રો ટ્રેન ઈંટરચેંજ સુવિધા અને સાબરમતી નદી પર પુલ છે.

હવે વાત સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટની કરીએ તો, પ્રથમ તબક્કો બે કોરિડોર સાથે 40.35 કિલોમીટરની લંબાઈની છે. કોરિડોર-1ની લંબાઈ 21.61 કિ.મી. અને કોરિડોર-2ની લંબાઈ 18.74 કિલોમીટરની છે. જેનો અંદાજીત ખર્ચ 12 હજાર 20 કરોડ છે.

કોરિડોર-1 સરથાણાથી ડ્રિમ સીટી સુધીનો છે. જેમાં 14 એલિવેટેડ મેટ્રો સ્ટેશન અને છ ભૂગર્ભ મેટ્રો સ્ટેશનોનો સમાવેશ થશે. કોરિડોર-2 ભેસાણથી સરોલી સુધીનો છે. જેમાં 18 એલિવેટેડ મેટ્રો સ્ટેશનનો છે. હાલ ડ્રિમ સિટી ડેપોથી કદરશાની નાલ સુધીના 9.88 કિલોમીટર વાળા કોરિડોર-1ને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. જેમાં 10 એલિવેટેડ મેટ્રો સ્ટેશનો છે.