નર્મદાઃ વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. વડાપ્રધાન મોદી કેવડિયા ખાતે આજે મિશન લાઈફનું લોન્ચિંગ કરશે. વડાપ્રધાન મોદી આજે નર્મદાના એકતાનગર એટલે કે કેવડિયાના પ્રવાસે છે.  જ્યાં તેઓ મિશન લાઈફનું લોન્ચિંગ કરશે. આ કૉન્ફરંસમાં સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ Antonio Guterres ઉપસ્થિત રહેશે.






યુએન મહાસચિવ વડાપ્રધાન મોદી સાથે સ્ટેચ્યુ ઑફ યુનિટી પરિસરને નિહાળશે અને સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે. આ દરમિયાન બંને વૈશ્વિક નેતાઓ વચ્ચે અલગથી એક બેઠક થવાની પણ શક્યતા છે. મિશન લાઈફ 2022થી 2028ના સમયગાળામાં પર્યાવરણના રક્ષણ અને સંરક્ષણ માટે વ્યક્તિગત અને સામૂહિક પગલા લેવા માટે ઓછામાં ઓછા એક અબજ ભારતીયો અને અન્ય વૈશ્વિક નાગરિકોને એકત્રિત કરવાના ઉદ્દેશ સાથે ડિઝાઈન કરવામાં આવ્યુ છે. સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ મુજબ જો આઠ અબજની વૈશ્વિક વસ્તીમાંથી એક અબજ લોકો જો તેમના રોજિંદા જીવનમાં પર્યાવરણને અનુકુળ વર્તન અપનાવે તો વૈશ્વિક કાર્બન ઉત્સર્જનમાં 20 ટકા સુધીનો ઘટાડો આવી શકે છે.






અગાઉ ગઇકાલે રાજકોટમાં વડાપ્રધાન મોદીનો ભવ્ય રોડ શો યોજાયો હતો. કેસરી રંગથી રંગાયેલી ખુલ્લી કારમાં સવાર થઈ વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રોડ શો યોજ્યો હતો. દોઢ કિલોમીટર સુધીના રોડ શૉમાં વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રીનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યુ હતુ. વડાપ્રધાન મોદીના સ્વાગત માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. વડાપ્રધાન પર લોકોએ ફૂલોનો વરસાદ કર્યો હતો. એરપોર્ટથી રેસકોર્સ ગ્રાઉન્ડ સુધી રોડ શો યોજાયો હતો. સૌરાષ્ટ્રભરમાંથી લોકો ઉમટ્યા હતા. રોડ શોના રૂટ પર સ્વાગત માટે 60 સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા હતા.


રોડ શો બાદ વડાપ્રધાન મોદીએ લોકોને સંબોધ્યા હતા. લોકોને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજે રાજકોટે રંગ રાખી દીધો હો. આપણે ત્યાં દિવાળી એટલે હિસાબ કિતાબનું વર્ષ. રાજકોટ મારી પહેલી પાઠશાળા છે. વજુભાઇ વાળાએ સીટ ખાલી કરી અને તમે મને વધાવી લીધો છે. આજે દેશમાં ગુજરાતની ચર્ચાઓ છે. રાજકોટ જોઇને દેશના લોકો મોઢામાં આંગળી નાખી ગયા છે.