અમદાવાદઃ ગુજરાતમાં જ નહીં પણ સમગ્ર એશિયામાં સિંહોના એક માત્ર નિવાસસ્થાન એવા ગીરમાં સિંહોની વસ્તી વધવાનો સિલસિલો ચાલુ છે. ગુજરાત વન વિભાગે બુધવારે સિંહોની વસતીના જાહેર કરેલા  આંકડા પ્રમાણે અત્યારે ગીરમાં અંદાજે 674 સિંહ છે.

આ સિંહોમાં પુખ્ત વયના 161 નર અને 260 માદા સિંહ એટલે કે સિંહણ છે. જ્યારે 45 નર અને 49 માદા પાઠડા (યુવાનીમાં પ્રવેશી રહેલા વનરાજો) નોંધાયા છે. આ સિવાય 137 બચ્ચાં છે અને 22 વણઓળખાયેલા સિંહો છે. ગીરમાં 2015માં છેલ્લી ગણતરી થઈ ત્યારે 523 સિંહ હતા. આમ,  પાંચ વર્ષમાં સિંહોની વસતીમાં 28.87 ટકાનો જંગી વધારો નોંધાયો છે. આ પહેલાં 2015માં સિંહોની વસતીમાં 27 ટકા વધારો નોંધાયો હતો.



વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને સિંહોની વસતીમાં થયેલા વધારા ગુજરાતને અભિનંદન આપ્યા હતા. તેમણે લખ્યું હતું કે, ' સિંહોની વસતીમાં આ વધારો સ્થાનિક લોકોના સહકારને કારણે થયો છે. ગીરમાં રહેતા માલધારી અને ગામવાસીઓ સિંહ સાથે હળી-મળીને રહે છે, તેના પરિણામે જ સિંહોની વસ્તી સતત વધતી રહે છે.'

સિંહોની ગણતરી પ્રક્રિયા દરમિયાન વન વિભાગે સિંહોની સંખ્યા, તેની હર-ફરનો વિસ્તાર, રેડિયો કોલર પહેરાવ્યા હોય તેના નંબર, તસવીરો વગેરે વિગતો એકઠી કરી હતી. ગણતરી માટે વન વિભાગે કુલ નવ જિલ્લાના તમામ 13 ડિવિઝનનું જંગલ ખૂંદી નાંખ્યું હતું. 5  અને 6 જૂનના 24 કલાક દરમિયાન અવલોકન કામગીરી કરાઈ હતી અને 1400 જેટલા કર્મચારીઓ કામે લાગ્યા હતા.



પાંચ વર્ષ પહેલા સિંહો અંદાજે 22 હજાર ચોરસ કિલોમીટરમાં વિચરતા હતા, જે હવે વધીને 30 હજાર ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાઈ ચૂક્યા છે. સિંહ વિસ્તાર પણ 36 ટકા વધ્યો છે. સિંહનું સત્તાવાર જંગલ 1500 ચોરસ કિલોમીટર કરતાં ઓછુ છે, પરંતુ વનરાજોએ પોતાનો વિસ્તાર પોતાની જાતે મેળવી લીધો છે.