Rabari community historic decision: રબારી સમાજ કુરિવાજ સુધારણા પરિષદ દ્વારા સોલા ખાતે એક મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજમાં પ્રવર્તતી કુરિવાજોને દૂર કરવા અને લગ્ન પ્રસંગોમાં થતા આર્થિક ખર્ચને નિયંત્રિત કરવા માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ નવા નિયમો 15 જાન્યુઆરી 2025થી અમલમાં આવશે.


સંમેલનના મુખ્ય નિર્ણયો:



  • પહેરામણી: સગાઈ, લગ્ન, રાવણું અને સીમંત જેવા શુભ પ્રસંગોમાં પહેરામણી માત્ર બંધ કવરમાં જ આપવાની રહેશે. વેવાઈને રૂ. 2100થી 3100, વેવાઈના સગા ભાઈને રૂ. 500 અને અન્ય સગાને રૂ. 200થી ઓછી પહેરામણી આપવાની રહેશે. મામેરામાં ભાઈઓ અને બહેનોમાં માત્ર રૂ. 5100ની પહેરામણી કરવાની રહેશે. અન્ય કોઈ સગાએ અલગથી પહેરામણી કરવી નહીં. કુંવાશી અને જમાઈને પહેરામણી આપવાની છૂટ રહેશે. દરેક પ્રસંગમાં ખરીદી કરવા માત્ર ઘરના લોકોને જ જવાનું રહેશે.

  • સગાઈ: સગાઈ ઘર આંગણે જ કરવી. હોટલ કે પાર્ટી પ્લોટમાં સગાઈ કરવી નહીં. જગ્યાનો અભાવ હોય તો સાદા પ્લોટમાં જમણવાર વગર સગાઈ કરી શકાય. રિંગ સેરેમની, સોના-ચાંદીના દાગીના અને મોબાઈલની આપ-લે સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે. સગાઈમાં માત્ર ચા-પાણી જ રાખવામાં આવશે.

  • શ્રીમંત: શ્રીમંત પ્રસંગ પણ ઘરમેળે જ કરવો. હોટલ કે પાર્ટી પ્લોટમાં કરવો નહીં. જગ્યાનો અભાવ હોય તો સાદી રીતે હોલમાં કરી શકાય. બાળકના જન્મ સમયે ઘરધણી સિવાય અન્ય કોઈ સગાએ કપડા કે પેંડા લઈ જવા નહીં. બેબી શાવર કે અન્ય કોઈ ઉજવણી કરવી નહીં. શ્રીમંતમાં સોનાના દાગીના આપવા નહીં. બાળકને રમાડવા જાવ ત્યારે પણ સોનાના દાગીના લઈ જવા નહીં, માત્ર પાંચ જોડી કપડાં લઈ જવા.

  • લગ્ન: લગ્ન પ્રસંગે 5થી 7 તોલા સોનું આપવાનું રહેશે. લાઈવ ગીત, બેન્ડ, DJ પાર્ટી રાખવી નહીં. વરઘોડામાં સાદું DJ અને ઘોડી રાખી શકાય. લગ્ન ગીત ગાવાની છૂટ રહેશે. નાસિક ઢોલ અને સાદા ઢોલની છૂટ રહેશે. કંકોત્રી લેખન વખતે મોટી સંખ્યામાં લોકો એકત્ર ન કરવા અને કંકોત્રી સાથે આપવામાં આવતા ખાજા બંધ કરવામાં આવશે. વર-વધુનો ચાંલ્લો પાંચથી દસ લોકોની મર્યાદિત સંખ્યામાં જ કરવાનો રહેશે. શક્ય હોય તો ડિજિટલ કંકોત્રી આપવી.

  • સામાન્ય નિયમો: તમામ શુભ પ્રસંગોમાં તમામ પ્રકારની પેકિંગ પ્રથા અને મોબાઈલમાં સ્ટેટસ મૂકવાની પ્રથા સદંતર બંધ કરવામાં આવશે. બેફામ પહેરામણી બંધ કરવા અને જાહેર માં મોટા બંડલો વહેંચતા અટકાવવા બંધ કવર પ્રથા ફરજિયાત કરવામાં આવે છે.


આ નવા બંધારણનું પાલન સમાજના દરેક વર્ગે ચુસ્તપણે કરવાનું રહેશે. આ બંધારણ તોડનારને સમાજ દ્વારા ટીકાપાત્ર ગણવામાં આવશે અને બંધારણનું પાલન કરવું એ દરેકની નૈતિક અને સામાજિક ફરજ છે. આ નિયમો સમાજને કરોડો રૂપિયાનો ફાયદો કરાવશે અને સાદગીપૂર્ણ જીવનશૈલીને પ્રોત્સાહન આપશે.