Gujarat Rain: ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઇ રહી છે, ક્યાંક ક્યાંક ધીમી ધારે અને ઝરમર વરસાદ શરૂ થયો છે, પરંતુ આ બધાની વચ્ચે હવે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે, અંબાલાલ પટેલે ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી કરી છે, એટલું જ નહીં 10 ઇંચથી વધુ વરસાદ પડવા સાથે અનેક વિસ્તારોમાં પુરની સ્થિતિનુ નિર્માણ થવાની પણ વાત કહી છે. 


ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદ પોતાની પૂર્ણ તાકાત સાથે વરસી શકે છે. હવામાન નિષ્ણાંત અને આગાહીકાર અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસાના વરસાદની સ્થિતિ સ્પષ્ટ કરતાં મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે, દક્ષિણ ગુજરાતમાં અનરાધાર વરસાદ પડશે. ખાસ કરીને આગામી ત્રમ દિવસમાં દક્ષિણ ગુજરાતમા પાણી પાણી થઇ જશે, 10 ઇંચથી વધુ વરસાદ પડશે, એટલુ જ નહીં અનેક વિસ્તારોમાં પુરની સ્થિતિનું પણ નિર્માણ થશે. 


અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને આહવા, ડાંગ અને વલસાડમાં 8 ઈંથી વધુ વરસાદ પડશે. સુરત સહિતના ભાગમાં 4થી 5 ઈંચ વરસાદ પડશે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં 1 ઈંચ સુધીનો પડશે ખાબકશે. આગામી 28 જૂનથી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદના કારણે મોટાભાગની નદીઓ બે કાંઠે થશે. 


રાજ્યના આ 11 જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી


રાજ્યના 11 જિલ્લાઓમાં આજે હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી. હવામાન વિભાગે આગાહી કરી હતી કે ગીર સોમનાથ, નવસારી, ડાંગ, વલસાડમાં ભારે વરસાદ વરસી શકે છે. તો જૂનાગઢ અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત અને તાપીમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.


સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. તો દીવમાં છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી. આગામી પાંચ દિવસમાં વેગ પકડી ગુજરાત અને મધ્યપ્રદેશ તરફ આગળ વધશે. આગામી ચાર પાંચ દિવસ કેરળ, કોંકણ ગોવા,મધ્ય મહારાષ્ટ્ર અને દિલ્લીમાં હળવા વરસાદની આગાહી કરાઇ છે.


કેરળના કેટલાક જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી કરાઇ છે .મલપ્પુરમ જિલ્લામાં રેડ એલર્ટ તો  કેરળના સાત જિલ્લામાં માટે વરસાદનું ભારતીય હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. રાજધાની દિલ્લીમાં આજે ગરમીથી આંશિક રાહત મળી શકે છે. અસમમાં પૂરથી 3.9 લાખથી વધુ લોકો હજુ પણ પ્રભાવિત છે. કેટલાક વિસ્તારમાં વરસાદની ગતિ ધીમી પડતા પૂરની સ્થિતિમાં સામાન્ય સુધારો થયો છે. હજુ પણ 19 જિલ્લા પૂરના પાણીમાં ગરકાવ છે.


આગાહી વચ્ચે અરવલ્લીના માલપુર અને મેઘરજમાં વરસાદ વરસ્યો હતો.  માલપુરના સજ્જનપુરાકંપા, ગોવિંદપુરાકંપા, વણઝારીયા, ધીરાખાંટનામુવાડા ગામમાં વરસાદ વરસ્યો હતો તો  મેઘરજના લીંબોદરા, ભૂંજરી, કૃષ્ણપૂર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ થયો છે. બનાસકાંઠામાં ધોધમાર વરસાદથી નદીઓમાં નવા નીરની આવક થઇ છે. અંબાજી, હડાદ, રાણપુરમાં શનિવારે મોડી સાંજે વરસાદ વરસ્યો હતો.


જૂનાગઢમાં વિસાવદરના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.  વેકરીયા અને લાલપુર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. તો વેકરીયા ગામની સ્થાનિક નદીમાં પૂર જેવી સ્થિતિ છે.  દાહોદના લીમડીમાં રહેણાંક મકાન પર વીજળી પડતા મહિલા ઇજાગ્રસ્ત થયા છે. વડોદરાના શિનોરમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. સાધલી, સેગવા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ છે.  વરસાદના કારણે મુખ્ય બજાર સહિતના વિસ્તારમાં રસ્તા પાણી પાણી થયા છે.


વડોદરા શહેરમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. છાણી, સમા, નિઝામપુરા, ગોરવા, સયાજીગંજ, ફતેહગંજમાં વરસાદ વરસ્યો છે. હરણી, આજવા રોડ, વાઘોડિયા રોડ વિસ્તારમાં વરસાદથી શહેરીજનોને ગરમીથી રાહત મળી છે. ભાવનગર શહેર અને ગ્રામ્યમાં મોડી રાત્રે વરસાદ વરસ્યો હતો. સીદસર, ચિત્રા, મિલેટરી સોસાયટી, વિઠ્ઠલવાડી, કાળીયાબીડ, ઘોઘા સર્કલ વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. છોટા ઉદેપુરમાં બોડેલી, ઢોકલિયા, ચાચક, મોડાસર સહિત આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી ખેડૂતોને ફાયદો થશે.