રાજ્યમાં હવે ટૂંક સમયમાં પ્રીમોન્સૂન એક્ટિવીટીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. જેના ભાગરૂપે અનેક જિલ્લામાં 4થી 6 જૂન દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 4 જૂનના દમણ, દાદરાનગર હવેલી, દાહોદ, આણંદ, ભાવનગર, અમરેલી, 5 જૂને બોટાદ, રાજકોટ, જૂનાગઢ, હીર સોમનાથ દીવ જ્યારે છ જૂનના દમણ, દાદરાનગર હવેલી ભાવનગર, મોરબી, કચ્છ અને દીવમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં જૂનના ત્રીજા સપ્તાહથી ચોમાસાનો પ્રારંભ થઈ શકે છે.
હવામાન વિભાગે આ વર્ષનું ચોમાસું કેવું રહેશે તેને લઈને આગાહી કરી છે. હવામાન વિભાગે વર્ષ 2021નું ચોમાસું નૈઋત્યનું અને સામાન્ય રહેવાની આગાહી કરી છે. જેમાં દેશભરમાં જૂનથી સપ્ટેબર સુધીમાં 96થી 104 ટકા જેટલો વરસાદ વરસશે. ઉત્તર પશ્ચિમ ભારતમાં 92થી 108 ટકા, દક્ષિણ ભારતમાં 93થી 107 ટકા, અને ઉત્તર પૂર્વ ભારતમાં 95 ટકાથી ઓછો વરસાદ પડશે. જ્યારે મધ્ય ભારતમાં 106 ટકા જેટલો વરસાદ પડવાનું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે.
રાજ્યમાં આજે હળવા વરસાદની આગાહી વચ્ચે બપોર બાદ ડાંગના ગિરિમથક સાપુતારા અને તળેટી વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. ગલકુંડ ગામે ભારે પવન સાથે વરસાદ વરસતા અનેક સ્થળોએ વૃક્ષ ધરાશાયી થયા છે. વૃક્ષો પડતા પાંચ બાઈક અને એક કારને પણ નુકસાન થયું. કારમાં યુવક ફસાઈ જતા સ્થાનિકોએ રેસ્ક્યુ કરી યુવકને બહાર કાઢ્યો હતો.
ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈને હવામાન વિભાગે (Gujarat IMD) આગાહી કરી છે. ગુજરાતમાં 15 થી 20 જૂન વચ્ચે ચોમાસા (Monsoon)નું આગમન થશે. કેરળ (Keral)માં 3 જૂને ચોમાસુ બેસશે. તેમજ આગામી 5 દિવસ વાતાવરણ વાદળછાયું રહેશે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, ડાંગ 4 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.
વલસાડ,નવસારી,ડાંગ તેમજ સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, ગીર રાજકોટમાં 3 અને 4 જૂને વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાંથી દક્ષિણ ગુજરાત સુધી એક સિસ્ટમ (ટ્રફ) છે જેને કારણે ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદમાં ૧૦ વર્ષમાં પ્રથમવાર મેમાં પારો ૪૩ને પાર પણ થયો નહીં. મે મહિનામાં સામાન્ય રીતે ૪૪થી વધુ ગરમી પડતી હોય છે. વાવાઝોડા, વેસ્ટર્ન ડિર્સ્ટબર્ન્સથી ગરમીનું પ્રમાણ સામાન્ય રહ્યું. અમદાવાદમાં ૫-૬ જૂનના વરસાદની આગાહી છે.