જુનાગઢઃ રાજસ્થાનથી આવેલા ભાજપના ધારાસભ્યો વુડ રિસોર્ટમાં રોકાયા છે. વસુંધરા જૂથના 6 ધારાસભ્યો વુડ રિસોર્ટ રોકાયા છે. તેમના આગમન પછી વુડ રિસોર્ટમાં ભાજપના આગેવાનોની અવર જવર વધી ગઈ છે. જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના ભાજપના નાના આગેવાનોને જવાબદારી આપવામાં આવી છે.


જોકે, સૌરાષ્ટ્રના કોઈ મોટા આગેવાનોને જવાબદારી આપવામાં આવી નથી. હાઇકમાન્ડે ભાજપના નાના આગેવાનોને જવાબદારીઓ સોંપતા રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું છે. છેલ્લા 36 કલાકમાં આ ધારાસભ્યોએ ત્રણ વાર જગ્યા બદલી છે. ભાજપના ધારાસભ્યો સોમનાથ મહાદેવના દર્શન કરવાના નામે ગુજરાત તો લવાયા હતા. તેમને સાગર દર્શન હોટલમાં રાખવામાં આવ્યા હતા, પરંતુ તેમને સોમનાથ દાદાના દર્શન પણ કરવા દેવામાં આવ્યા નહોતા.

એવી ચર્ચા છે કે, ભાજપને ચિંતા છે કે, દર્શન કરવા જાય અથવા એક જગ્યાએ રોકાય તો કોંગ્રેસના આગેવાન કે ધારાસભ્ય ભાજપના આ ધારાસભ્યોનો સંપર્ક કરી શકે છે. જેથી છેલ્લા 36 કલાકમાં જ ત્રણવાર તેમના ઠેકાણ બદલવામાં આવ્યા છે. ખુદ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ આ ગતિવિધિઓથી અજાણ હોવાનો નીતિન પટેલનો દાવો છે. પ્રવાસ અને રિસોર્ટ પોલિટિક્સથી રાજસ્થાન ભાજપની પોલ ખૂલી ગઈ છે. આ અંગે વિજય રૂપાણીએ પણ પ્રતિક્રિયા આપવાનો ઇનકાર કર્યો હતો.