અમદાવાદઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પોલીસ કર્મચારીઓ સાથેની ગેરવર્તુણક એક નિવેદનની વિરુદ્ધમાં દેશના નિવૃત આઈપીએસ અધિકારીઓએ રાષ્ટ્રપતિને પત્ર લખ્યો છે. આ પત્રમાં કુલ 30 નિવૃત IPS અધિકારીઓએ સહી કરી છે. દેશના રાષ્ટ્રપતિને ઉદ્દેશીને લખાયેલા આ પત્રમાં નિવૃત પોલીસ અધિકારીઓએ અરવિંદ કેજરીવાલની ગુજરાત મુલાકાતની એક ઘટનાનો ઉલ્લેખ કરીને કેજરીવાલનો વિરોધ કર્યો છે.


કેજરીવાલની રીક્ષા મુસાફરી દરમિયાન થયો હતો વિવાદઃ


ગુજરાત વિધાનસભાની આવનારી ચૂંટણીને લઈ હાલ રાજકિય પક્ષો મેદાને છે. આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં ખુબ એક્ટિવ દેખાઈ રહી છે. આપના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ સતત ગુજરાતની મુલાકાતે આવીને વિવિધ ગેરન્ટી આપી રહ્યા છે. ત્યારે થોડા દિવસ પહેલાં અરવિંદ કેજરીવાલે અમદાવાદમાં એક રીક્ષાચાલકના ઘરે ભોજન પણ લીધું હતું. આ દરમિયાન અરવિંદ કેજરીવાલ રીક્ષામાં સવાર થઈને રીક્ષાચાલકના ઘરે પહોંચ્યા હતા. આ દરમિયાન ગુજરાત પોલીસના અધિકારીઓ કેજરીવાલની સુરક્ષા માટે આવ્યા હતા. 


નિવૃત પોલીસ અધિકારીઓએ રાજકિય સ્ટંટ ગણાવ્યોઃ


જો કે, અરવિંદ કેજરીવાલે ગુજરાત પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે દલિલો કરી હતી અને પ્રોટોકોલ મુજબ સુરક્ષા ના કરવા માટે કહ્યું હતું. સુરક્ષા માટે આવેલા પોલીસ કર્મચારીઓને કેજરીવાલે કહ્યું હતું કે મારે કોઈ પણ પ્રકારની સુરક્ષા નથી જોઈતી. હવે આ જ ઘટના અંગે નિવૃત પોલીસ અધિકારીઓએ અરવિંદ કેજરીવાલે ગુજરાત પોલીસ માટે કરેલું ઉચ્ચારણ આઘાતજનક ગણાવ્યું છે. કેજરીવાલે પોલીસ અધિકારીઓ સાથે કરેલી આ ગેરવર્તુણકને નિવૃત પોલીસ અધિકારીઓએ રાજકિય સ્ટંટ ગણાવ્યો છે.


રાષ્ટ્રપતિને ઉદ્દેશીને નિવૃત IPS અધિકારીઓએ શું કહ્યુંઃ


નિવૃત IPS અધિકારીઓએ પત્રમાં રાષ્ટ્રપતિને ઉદ્દેશીને કહ્યું કે, અપ્રિય શબ્દો અને કાર્યો દ્વારા કેજરીવાલ પોતાની જાતને રાજકીય શહીદ તરીકે ચિતરવાનો ઇરાદો ધરાવતા હતા, જો કે, તેમ કરીને તેમણે અન્યાયી રીતે માત્ર ગુજરાત રાજ્યમાં જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં પોલીસ દળનો તમાશો ઉભો કર્યો છે. તેથી અમે તમને (રાષ્ટ્રપતિને) નમ્રતાપૂર્વક વિનંતી કરીએ છીએ કે તમે દેશના વડા તરીકે દરમિયાનગીરી કરો અને અરવિંદે કેજરીવાલને પોલીસ સાથેની આવી ગેરવર્તુણક અને અધમ વર્તન સામે સલાહ આપો.


ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલાં નિવૃત IAS અધિકારીઓએ પણ અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીની માન્યતા રદ કરવાની માંગ સાથે ભારતના ચૂંટણી પંચને પત્ર લખ્યો હતો. 57 પૂર્વ સનદી અધિકારીઓએ ચૂંટણી પંચને રજૂઆત કરતાં લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, 3 સપ્ટેમ્બરના રોજ રાજકોટમાં આમ આદમી પાર્ટી દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં આપના નેશનલ કન્વિનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક નિવેદન આપ્યું હતું. કેજરીવાલે કહ્યું હતું કે, 'ગુજરાતના સનદી અધિકારીઓ આવનારી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી માટે કામ કરે અને ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આપની જીતને સુનિશ્ચિત કરે.' આ સાથે અરવિંદ કેજરીવાલે, સરકારી નોકરી કરતા કર્મચારીઓ જેવા કે, પોલીસ કર્મી, હોમ ગાર્ડ, આંગણવાડી કાર્યકર્તા, એસટીના ડ્રાઈવર અને કંડક્ટર અને પોલીંગ બુથ પરના અધિકારીઓને પણ આમ આદમી પાર્ટીને મદદ કરવા માટે કહ્યું હતું.