ગાંધીનગર : ગુજરાતમાં ગ્રાન્ટેડ સ્કૂલોના શિક્ષકો સહિતના કર્મચારીઓ માટે રૂપાણી સરકારે મોટી જાહેરાત કરી છે. ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના તમામ શિક્ષકો-કર્મચારીઓને ફાજલ તરીકેનુ કાયમી રક્ષણ અપાશે. નવી નિમણૂક પામનાર કોઇપણ ગ્રાન્ટેડ માધ્યમિક કે ઉચ્ચત્તર માધ્યમિક શાળાના શિક્ષક- કર્મચારીને વર્ગ-શાળા બંધ થવાના કારણે નોકરી ગુમાવવાનો પ્રશ્ન ઉપસ્થિત થશે નહી.
શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું છે કે, રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના તમામ શિક્ષકો-કર્મચારીઓને ફાજલ તરીકેનુ કાયમી રક્ષણ આપવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. હવે પછી નવી નિમણૂક પામનાર કોઇપણ માધ્યમિક કે ઉચ્ચત્તર માધ્યમિક શાળાના શિક્ષક- કર્મચારીને વર્ગ-શાળા બંધ થવાના કારણે નોકરી ગુમાવવાનો પ્રશ્ન ઉપસ્થિત થશે નહી.
શિક્ષણમંત્રીશ્રીએ ઉમેર્યું કે, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકારે શિક્ષકો અને કર્મચારીઓના હિતલક્ષી અનેકવિધ નિર્ણયો કર્યા છે. આ શિક્ષકો અને કર્મચારીઓ દ્વારા કરાયેલી રજૂઆતોને ધ્યાને રાખીને રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રીએ વધુ એક શિક્ષકોના હિત માટે આ નિર્ણય લેવાયો છે.
શિક્ષણમંત્રીએ આ અંગે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, બિનસરકારી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી વર્ષ 2011થી કેન્દ્રીયકૃત રીતે મેરીટના આધારે કરવામાં આવે છે. સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી પ્રક્રિયા ટાટ પરીક્ષા, લાયકાત, પગાર ધોરણ તેમજ કામગીરી એક સમાન હોય આ નિર્ણય કરાયો છે. ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં નિમણૂક પામેલ શિક્ષકોને ફાજલનું રક્ષણ ન હોવાને કારણે નોકરી ગુમાવતા હોવાથી આવા શિક્ષકો સતત અસલામતીના ભયના ઓથાર નીચે કામગીરી કરતા હોવાથી તેની સીધી અસર શિક્ષણ કાર્યની ગુણવત્તા પર થતી હોઈ. આ નિર્ણયના પરિણામે શિક્ષણની ગુણવત્તા અને કામગીરી વધુ સુદર્ઢ બનશે.
શિક્ષણમંત્રીએ જણાવ્યું કે આ નિર્ણયના પરિણામે ખાલી પડતી જગ્યા પર નવેસરથી નિમણૂક કરવાના બદલે ફાજલ શિક્ષકની નિમણૂક કરવામાં આવે તો જગ્યા ભરવાની લાંબી પ્રક્રિયામાંથી બચી શકાશે અને તૈયાર થયેલ અનુભવી શિક્ષકને કામ આપી શકાશે અને શાળાઓને ઝડપથી અનુભવી શિક્ષકો મળશે. હાલ ફરજ બજાવતા શિક્ષકો માટે જુના શિક્ષકોની ભરતી અંગેની જોગવાઇ હોવાથી જે શિક્ષકો શાળા બદલવા માંગતા હોય તેઓ આ જોગવાઇનો લાભ લઈ પોતાની ઇચ્છિત શાળામાં જઈ શકશે. આથી, બદલીના વિકલ્પ તરીકે દુરના સ્થળથી નજીક ઇચ્છિત જગ્યાએ નિમણુક મેળવવા કાયમી રક્ષણનો દુરઉપયોગ કરવામાં આવશે નહીં.
શિક્ષણ મંત્રી ભુપેંદ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, ફાજલનું રક્ષણ ન હોવાના કારણે ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના શિક્ષકો સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નિમણૂક મળેથી ત્યાં જોડાઇ જાય છે. તેમ કરવાથી બિનસરકારી ગ્રાન્ટેડ શાળાઓના વિદ્યાથીઓ શિક્ષકોથી વંચિત રહે છે. તાજેતરમાં કરાયેલી સરકારી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક ભરતીમાં ગ્રાન્ટેડ શાળાઓમાંથી 30 જેટલા શિક્ષકો રાજીનામુ આપી જોડાયેલા છે. શિક્ષકોને ફાજલનું કાયમી રક્ષણ આપવાથી જ્યારે તેઓને ફાજલ કરી અન્યત્ર મુકવામાં આવે છે ત્યારે રાજ્ય સરકાર ઉપર કોઇ નવું નાણાકીય ભારણ આવશે નહી. આ નિર્ણયથી રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના 70,000 જેટલાં શિક્ષક-કર્મચારીઓને આ લાભ મળશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, બિનસરકારી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં વર્ગો બંધ થવાના કારણે કે શાળા બંધ થવાના કારણે કામ કરતા કર્મચારીઓને ફાજલ જાહેર કરી, નોકરીનુ રક્ષણ આપી અન્ય શાળામાં ખાલી જગ્યા પર સમાવવામાં આવે છે. જે અંગે રાજ્ય સરકારે સૌપ્રથમવાર તારીખ 21-05-1994ના ઠરાવથી ફાજલ અંગેની નીતી જાહેર કરી હતી. અને તારીખ 15-04-1994 કે તે પહેલા નિમાયેલા શિક્ષકો-કર્મચારીઓને ફાજલ તરીકેનું કાયમી રક્ષણ આપ્યુ છે. ત્યારબાદ તારીખ 30-06-1998 સુધી નિમણૂક પામેલ કર્મચારીઓ-શિક્ષકો માટે આ રક્ષણ લંબાવાયુ હતુ અને 31-03-2016 સુધી નિમણૂક પામેલ શિક્ષકો-કર્મચારીઓને ફાજલ તરીકેનુ કાયમી રક્ષણ આપવામાં આવ્યુ છે.
ગુજરાતમાં ગ્રાન્ટેડ સ્કૂલોના શિક્ષકો સહિતના કર્મચારીઓ માટે રૂપાણી સરકારે શું લીધો મોટો નિર્ણય ? જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Jan 2021 06:32 PM (IST)
ગુજરાતમાં ગ્રાન્ટેડ સ્કૂલોના શિક્ષકો સહિતના કર્મચારીઓ માટે રૂપાણી સરકારે મોટી જાહેરાત કરી છે. શિક્ષકોને હવેથી ફાયદો થશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -