નવા નિયમ પ્રમાણે ધોરણ 1થી 5ના શિક્ષકોને વધતા કિસ્સામાં ધોરણ 6થી ધોરણ 8માં સમાવવામાં આવશે નહીં. બંનેની સિનિયોરિટી અલગ-અલગ જ ગણવામાં આવશે. તેના કારણે હવે પ્રાથમિક શિક્ષકોની જિલ્લાફેર બદલીમાં સરળતા રહેશે. અત્યાર સુધી ધોરણ 1થી ધોરણ 8ને સળંગ એકમ ગણવામાં આવતું હોવાથી સિનિયોરિટીના લાભથી અનેક શિક્ષકો વંચિત રહેતા હતા. તેમની બદલીઓમાં વિલંબ થતો હતો પણ હવે અલગ એકમ ગણાતાં તેમની બદલી ઝડપથી કરી શકાશે.
પ્રાથમિક શાળાઓમાં ધોરણ 8નો સમાવેશ કરાતાં શિક્ષકની ભરતી માટે પણ સ્પર્ધાત્મક પરીક્ષા લેવાનું શરૂ કરાયું હતું. બે ભાગમાં વહેચાયેલી પ્રાથમિક શાળામાં ધોરણ 1થી ધોરણ 5ના શિક્ષકોની ભરતીમાં પીટીસીની લાયકાત નક્કી કરાઈ હતી જ્યારે ધોરણ 6થી ધોરણ 8માં બી.એડ અથવા તો પીટીસી સાથે ગ્રેજ્યુએશન ફરજિયાત કરાયું હતું. શિક્ષણ વિભાગે ટેમ્પરરી એવી જોગવાઈ કરી હતી કે ધોરણ 1થી 5માં જે શિક્ષકો વધુ હોય તેમને ધોરણ.6થી 8માં સમાવવાના રહેશે. આમ, વધારાના શિક્ષકો ઉચ્ચ પ્રાથમિકમાં સમાવિષ્ટ થવાના કારણે બદલીના સંજોગોમાં ધોરણ 1થી 8નો સળંગ એકમ ધ્યાનમાં લેવામાં આવતો હતો. હવે આ નિયમ બદલાતાં શિક્ષકોને ફાયદો થશે.