Sabarkantha Loot: રાજ્યમાં વધુ એક મોટી લૂંટની ઘટના સામે આવી છે, આજે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં દોઢ કરોડની લૂંટ થયાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.  અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારૂઓ ફરાર થયાની જાણ ખુદ કાર ચાલકે કરી હતી, આ પછી એલસીબી અને એસઓજીની ટીમો દોડતી થઇ હતી. 


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નજીક આવેલા દલાની મુવાડીમાં આજે એક મોટી લૂંટની ઘટના ઘટી હતી. પોલીસ ફરિયાદ અનુસાર, આ લૂંટ અંદાજિત દોઢ કરોડ હોવાનું સામે આવ્યુ છે. માહિતી પ્રમાણે, પ્રાંતિજ તાલુકાના દલાની મુવાડી ગામે આજે એક કાર અકસ્માત થયો હતો, જેમાં કાર પલટી ગઇ હતી, કાર ચાલકે આ અકસ્માત બાદ પોલીસને જાણ કરી હતી કે, કારમાંથી બે થેલી ભરેલા દોઢ કરોડ રૂપિયા લૂંટાઇ ગયા છે. આ પછી સ્થાનિક પોલીસની સાથે સાથે જિલ્લા પોલીસ પણ આ લૂંટને પગલે દોડતી થઇ હતી અને આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. તપાસ માટે અત્યારે સ્થાનિક પોલીસ ઉપરાંત LCB, SOG સ્થળ પર પહોંચી છે અને લૂંટારૂઓને પકડવા જિલ્લાભરમાં નાકાબંધી કરવામાં આવી છે. 


કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માતમાં સાતના મોત થયા હતા


તાજેતરમાં જ શામળાજીથી અમદાવાદ જઈ રહેલી એક કાર ટ્રેલર પાછળ ઘૂસી જતાં ઘટના સ્થળે જ 7 વ્યક્તિઓના મૃત્યુ થયા હતા. અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. તમામ મૃતકો અમદાવાદના હોવાની જાણકારી મળી હતી. ફાયર બ્રિગેડ, 108 એમ્બ્યુલન્સ અને પોલીસ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડની ટીમે ઇનોવા કારને કાપીને મૃતદેહોને બહાર કાઢ્યા હતા. અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે આગળની તપાસ ચાલુ છે.સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા મૃતકોના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી.


આ પણ વાંચો


Dwarka: દ્વારકાના બરડીયા નજીક બે કાર અને બસ વચ્ચે અકસ્માત, સાતનાં મોતની આશંકા