અમરેલી: નેતા વિપક્ષ પરેશ ધાનાણીના ગઢ અમરેલી જિલ્લામાં કૉંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. હવે સાવરકુંડલા તાલુકા પંચાયતના પ્રમુખ રાઘવભાઈ સાવલિયાએ કૉંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે. રાઘવભાઈ સાવલિયાએ કૉંગ્રેસમાંથી રાજીનામુ આપતાની સાથે જ વિપક્ષી નેતા પરેશ ધાનાણી, કૉંગ્રેસ પ્રભારી રાજીવ સાતવની કામગીરી સામે આરોપો લગાવ્યા છે.

રાધવભાઈ સાવલિયાએ નેતા વિપક્ષ તરીકે પરેશભાઈ ધાનાણી નિષ્ફળ નિવડ્યાનો પણ આરોપ લગાવ્યો છે. રાજીનામુ આપવા પાછળ સાવલિયાએ નબળી નેતાગીરીનું કારણ આગળ ધર્યું છે.

આ સાથે જ સાવરકુંડલા ધારાસભ્ય પ્રતાપ દૂધાત કૉંગ્રેસ કાર્યકરોનો પંચાયતના હોદ્દેદારનો ફોન ન ઉપાડતા હોવાનો આરોપ લગાવ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ કૉંગ્રેસમાં એક બાદ એક ભંગાણ પડી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ અમરેલી જિલ્લામાં કૉંગ્રેસના નેતાઓએ રાજીનામાં આપ્યા હતા. થોડા દિવસ પહેલા જ ખાંભા એપીએમસી ડિરેક્ટરે રાજીનામું આપ્યું હતું.