Biporjoy Cyclone: ચક્રવાતી તોફાન Biporjoy હવે તેનું ઉગ્ર સ્વરૂપ અપનાવવાનું શરૂ કર્યું છે. રવિવારે ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થયા બાદ તે ભારતીય તટ તરફ આગળ વધી રહ્યું છે. તે 15 જૂન સુધીમાં પહોંચવાનો અંદાજ હતો, પરંતુ ગુજરાતમાં તેની અસર ત્રણ દિવસ પહેલા જ દેખાવા લાગી છે. સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે જોરદાર પવન ફૂંકાવા લાગ્યો છે. ગુજરાતની સાથે મહારાષ્ટ્ર અને કેરળમાં પણ દરિયા કિનારે ઊંચા મોજા ઉછળવા લાગ્યા છે. ભારતીય હવામાન વિભાગે ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કર્યું છે.


વાવાઝોડાના રૌદ્ર રુપને જોતા ગુજરાતના અનેક બંદરો પર ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યા છે. જેમાં કંડલા, પોરબંદર, ઓખા બંદર અને મોરબીના નવલખી બંદર પર 9 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. ગુજરાત મેરી ટાઇમ બોર્ડ દ્વારા સિગ્નલ લગાવવામાં આવ્યું છે. આ ઉપરાંત મુંદ્રા, માંડવી બંદર પર પણ નવ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. 


ભારતીય હવામાન વિભાગે રવિવારે મોડી રાત્રે ચક્રવાત બિપરજોયને લઈને ગુજરાત માટે યલો એલર્ટ જારી કર્યું હતું. IMDએ લખ્યું, સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે યલો એલર્ટ. 15 જૂનની બપોર સુધીમાં, બિપરજોય માંડવી (ગુજરાત) અને કરાચી, પાકિસ્તાનમાંથી પસાર થવાની સંભાવના છે.


દરિયાકિનારે ફુંકાતા પવનની ઝડપના આધારે બંદર ઉપર વિવિધ નંબરના સિગ્નલ લગાવવામાં આવે છે. જેમાં ખાસ કરીને 1થી 12 નંબરના સિગ્નલ લગાવવામાં આવી રહ્યા છે. જેના આધારે દરિયામાં રહેલી બોટ, સ્ટીમર, જહાજના ચાલકને એ ખબર પડે કે દરિયો કેટલો ગાંડોતુર બનશે. જેમ જેમ સિગ્નલમાં અંક વધતો જાય તેમ તેમ વાવાઝોડાની તિવ્રતામાં વધારો હોય તેવુ નિર્દિષ્ટ કરવામાં આવે છે.


જાણો શું છે સિગ્નલનો અર્થ


સિગ્નલ નંબર-01


જ્યારે પવનની ગતિ એકથી પાંચ કિલોમીટરની હોય ત્યારે એક નંબરનું સિગ્નલ લગાવાય છે. બહુ ગંભીર નથી હોતો પવન.


સિગ્નલ નંબર-02


પવનની ગતિ 6થી 12 કિલોમીટરની ઝડપે ફુકાતો હોય ત્યારે, બંદર ઉપર 2 નંબરનું સિગ્નલ લગાવાય છે.


સિગ્નલ નંબર-03


જ્યારે પવનની ઝડપ 13 થી 20 કિલોમીટરની ઝડપે ફુકાતો હોય ત્યારે આ સિગ્નલ લગાવવામાં આવે છે.


સિગ્નલ નંબર-04


દરિયાકાંઠે 21 થી 29 કિલોમીટરની ઝડપે પવન ફુકાતો હોય ત્યારે લગાવાય છે ત્યારે ચાર નંબરનું સિગ્નલ લગાવાય છે.


સિગ્નલ નંબર-05


જ્યારે ફુંકાતા પવનની ગતી 30 થી 39 કિલોમીટરની હોય છે ત્યારે બંદર ઉપર પાંચ નંબરનું સિગ્નલ લગાવાય છે.


સિગ્નલ નંબર-06


જ્યારે દરિયામાં પવનની ઝડપ 40થી 49 કિલોમીટરની હોય ત્યારે બંદર ઉપર ભયસુચક 6 નંબરનું સિગ્નલ લગાવાય છે.


સિગ્નલ નંબર-07


જ્યારે વહેતા પવનની ઝડપી 50 થી 61 કિલોમીટરની હોય ત્યારે બંદર ઉપર સાત નંબરનું સિગ્નલ લગાવવામાં આવે છે.


સિગ્નલ નંબર-08


જ્યારે પવનની ઝડપ જ્યારે 62થી 74 કિલોમીટરની વચ્ચે હોય ત્યારે બંદર ઉપર આઠ નંબરનું ભયસુચક સિગ્નલ લગાવાય છે.


સિગ્નલ નંબર-09


જ્યારે પવનની ઝડપ 75 થી 88 કિલોમીટર સુધીની હોય ત્યારે બંદર ઉપર ભયસૂચક 09 નંબરનું સિગ્નલ લગાવાય છે.


સિગ્નલ નંબર-10


જ્યારે દરિયામાં પવનની ગતી, 89 થી વધુ પરંતુ 102 કિલોમીટર સુધીની હોય ત્યારે બંદર ઉપર 10 નંબરનું સિગ્નલ લગાવાય છે.


સિગ્નલ નંબર -11


સમુદ્રમાં ફુકાતા તોફાની પવનની ઝડપ 103 થી 118 કિલોમીટર સુધીની હોય છે ત્યારે બંદર ઉપર 11 નંબરનું સિગ્નલ લગાવાય છે.


સિગ્નલ નંબર-12


જ્યારે તોફાની પવનની ઝડપ 119થી 220 કિલોમીટર ની હોય ત્યારે બંદર ઉપર 12 નંબરનું સિગ્નલ લગાડવામાં આવે છે.