Lok Sabha News: ભાજપે ગઇકાલે સાંજે પોતાની પાંચમી યાદી જાહેર કરી દીધી છે, આ યાદીમાં ભાજપે બાકીની 6 બેઠકો પર પોતાના ઉમેદવારોના નામે જાહેર કરી દીધા, આ સાથે જ ગુજરાતમાં ભાજપે પોતાના તમામ 26 ઉમેદવારોને જાહેર કરી દીધા છે. જોકે, કોંગ્રેસ હજુ પણ આ કડીમાં પાછળ છે. કોંગ્રેસ ગુજરાતની કેટલીક બેઠકો પર પોતાના ઉમેદવારો જાહેર નથી કરી શકે. પરંતુ આ બધાની વચ્ચે એક વાત સૌથી વધુ ચર્ચામાં છે કે, કોંગ્રેસ આ વખતે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલને હરાવવા પ્લાન તૈયાર કરી રહી છે. કોંગ્રેસે નવસારી બેઠક પર કોંગ્રેસના સ્વર્ગસ્થ નેતા અહેમદ પટેલની દીકરી મુમતાઝ પટેલને ટિકીટ આપવાનો તૈખ્તો તૈયાર કર્યો છે. આ માટે સોનિયા ગાંધીની લીલીઝંડી પણ મળી ગઇ હોવાની વાત સામે આવી છે. 


બાકી રહેલા ઉમેદવારોના નામના મંથન માટે દિલ્હીમાં કોંગ્રેસ એક પછી એક સીઇસીની બેઠક કરી રહ્યું છે. હાલમાં સુત્રો તરફથી માહિતી છે કે, કોંગ્રેસ આ વખતે નવસારી બેઠક પર ફોકસ કરી રહી છે. નવસારીથી કોંગ્રેસ મુમતાઝ પટેલને ચૂંટણી મેદાનમાં ઉતારશે તે નક્કી થઇ ચૂક્યુ છે. ખુદ સોનિયા ગાંધીએ CECની બેઠકમાં મુમતાઝ પટેલ માટે લીલીઝંડી આપી હોવાનું સુત્રો જણાવી રહ્યાં છે. નવસારી બેઠક પર સીઆર પાટીલ સામે મુમતાઝ પટેલને ચૂંટણી લડવા માટે તૈયાર કરાશે. સીઆર પાટીલ નવસારી લોકસભા બેઠક પરથી 2009, 2014 અને 2019માં જીત્યા હતા, અને ભાજપે તેમને આ વખતે ચોથીવાર ટિકીટ આપીને લોકસભાના મેદાનમાં ઉતાર્યા છે.


આ પહેલા પણ નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલે હાઇ કમાન્ડને આ પ્રકારની સલાહ આપી હતી - 
ગુજરાતમાં ભરુચ લોકસભા બેઠક પર કોંગ્રેસ અને આપના ગઠબંધનથી અહીંની ટિકીટ ચૈતર વસાવાને મળી છે, આ બેઠક પર ચૈતર વસાવાને ટિકીટ મળતાં જ અહેમદ પટેલનો પરિવાર અને મુમતાઝ પટેલ નારાજ થયા હતા, જોકે, હવે કોંગ્રેસ તેને મનાવવાના પ્રયાસ કરી રહી છે. સુત્રો અનુસાર માહિતી છે કે, કોંગ્રેસ લોકસભા ચૂંટણીમાં મુમતાઝ પટેલને મેદાનમાં ઉતારી શકે છે. નવસારીથી કોંગ્રેસ મુમતાઝ પટેલને ટિકિટ આપે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે, આ ચર્ચા બાદ દક્ષિણ ગુજરાતમાં સુરત અને નવસારીમાં કોંગ્રેસના આગેવાનોની બેઠકોનો દૌર પણ શરૂ થઇ ગયો છે. હાલમાં આ નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલે સલાહ આપી છે કે, મુમતાઝ પટેલ સામે ભવિષ્ય ઉજ્જવળ છે, તેમને નવસારીથી ચૂંટણી લડવા અંગે વિચારવું જોઇએ. પાર્ટી તેમને રાષ્ટ્રીય લેવલ પર જવાબદારી સોંપી શકે છે. ઉલ્લેખનીય છે કે, ભાજપે અગાઉ પહેલી યાદીમાં જ નવસારી બેઠક પર સીઆર પાટીલને ટિકીટ આપી દીધી છે. હાલમાં સીઆર પાટીલ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ છે. 


રાજકોટ બેઠકને લઇને કોંગ્રેસમાં કોકડું ગૂંચવાયું, બે જૂથો વચ્ચે ખેંચતાણ થતાં શક્તિસિંહ રાજકોટ દોડ્યા


ગુજરાતમાં કોંગ્રેસ લોકસભાની ચૂંટણીને લઇને તૈયારીઓમાં લાગી છે. રાજ્યમાં પહેલાથી જ ભાજપ એક્શન મૉડમાં છે અને લગભગ મોટાભાગની બેઠકો પર ઉમેદવારો ઉતારી દીધા છે, અને બાકીની છ બેઠકો પર આજે કે પછી આવતીકાલે ઉમેદવારોની જાહેર સંભવ છે. પરંતુ આ કોંગ્રેસ હજુ પણ અવઢવમાં છે કે કઇ બેઠક પર કયા ઉમેદવારને ઉતારવા. છેલ્લા કેટલાક સમયથી સૌથી હૉટ ગણાતી રાજકોટ બેઠકને લઇને કોંગ્રેસમાં કોકડુ ગૂંચવાયું છે. બે જૂથો આમને સામને હોવાની વાતને લઇને કાર્યકરોમાં ઉત્સાહ ખતમ થઇ રહ્યો છે, ત્યારે આ ગૂંચવણનો ઉકેલ લાવવા માટે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલા આજે અચાનક રાજકોટની મુલાકાતે પહોંચ્યા છે. 


ગુજરાત કોંગ્રેસમાં છેલ્લા કેટલાક સમયથી પક્ષ છોડવાની હોડ લાગી છે, અને લોકસભા માટે નવા ઉમેદવારો મળતા નથી જેવી સ્થિતિ સર્જાઇ છે. કેમકે પહેલાથી જ સીનિયર કોંગ્રેસી નેતાઓએ લોકસભા ચૂંટણી લડવાની ના પાડી દીધી છે. આજે સવારે અચાનક પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ રાજકોટ પહોંચ્યા છે. રાજકોટ લોકસભા મત વિસ્તાર બેઠક માટે ઘણા સમયથી કોકડું ગૂંચવાયું છે, ઉમેદવારોને લઈને છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસના બે જૂથોમાં વહેંચાયેલુ જોવા મળી રહ્યું છે, રાજકોટ કોંગ્રેસમાં લાંબા સમયથી કોંગ્રેસના અગ્રણી ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને ડૉ. હેમાંગ વસાવડા જૂથ વચ્ચે ટિકિટને લઈને ખેંચતાણ ચાલી રહી છે, ત્યારે બન્ને જૂથોના અગ્રણીઓને સમજાવવા માટે શક્તિસિંહ ગોહિલ અચાનક મુલાકાત કરવા રાજકોટ પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે, રાજકોટ લોકસભા માટે પરેશ ધાનાણીથી લઇને કેટલાક મોટા નેતાઓના નામો ચર્ચાઇ રહ્યાં છે, સાથે સાથે શહેર કોંગ્રેસમાં કેટલાક નામો પણ રેસમાં છે. આજે બપોરે શક્તિસિંહ ગોહિલ રાજકોટ શહેર કોંગ્રેસના અગ્રણીઓ અને ગ્રામ્ય વિસ્તારના અગ્રણીઓ સાથે પણ મુલાકાત કરશે.