કચ્છ:  જ્વેલરી બ્રાન્ડ ‘તનિષ્ક’ની જાહેરાતને લઈ વિવાદ શરુ થઈ ગયો છે. વિવાદ બાદ તનિષ્ક જ્વેલરે પોતાની જાહેરાતને પરત લઈ લીધી છે.  પ્રાપ્ત જાણકારી અનુસાર, ગાંધીધામમાં તનિષ્કના એક શોરૂમને ધમકીઓ મળી હતી.


કચ્છ જિલ્લાના ગાંધીધામ શહેરમાં તનિષ્ક સ્ટોરના મેનેજર રાહુલ મનુજાએ કહ્યું કે, તેમના સ્ટોર પર કોઈ હુમલો થયો નથી, જો કે ધમકીભર્યા ફોન આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, કેટલાક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ગાંધીધામમાં એક તનિષ્ક સ્ટોર પર હુમલો થયો છે. પોલીસે દુકાન પર હુમલાના અહેવાલને ખોટા ગણાવ્યા છે.


ઉલ્લેખનીય છે કે, તનિષ્કની પોતાના જ્વેલરી કલેક્શન ‘એકત્વમ’ને પ્રોત્સાહન આપવા માટે ગત અઠવાડિયામાં એક એડ બનાવી હતી. જાહેરાતમાં બે અલગ અલગ ધર્મોને માનનારા લોકોને એક પરિવારના ગણાવ્યા છે. તેના બાદ સોશિયલ મીડિયા પર આ જાહેરાતને લઈને ભારે વિવાદ ચાલી રહ્યો છે અને ટ્વિટર પર ‘બાયકોટ તનિષ્ક’ ટ્રેન્ડ કરવા લાગ્યું હતું. જેના બાદ કંપનીએ એક નિવેદન જાહેર કરી એડને પરત લેવાની જાહેરાત કરી છે.