Error in Board Exam Answer Key Verification: બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને માર્ક્સ આપવામાં સરવાળાની ભૂલ કરનારા 9218 શિક્ષકને 1.54 કરોડનો દંડ ફટકારાયો છે. વિધાનસભા ગૃહમાં ધોરણ 10, 12ની ઉત્તરવહી મૂલ્યાંકન જેવી ગંભીર કામગીરીમાં સંકળાયેલા 9218 શિક્ષકે છેલ્લાં બે વર્ષમાં બેદરકારી દાખવી હોવાની વિગતો બહાર આવી છે.
વિધાનસભામાં પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના પ્રશ્નના જવાબમાં આ વિગતો બહાર આવી છે. શિક્ષણ મંત્રીએ જવાબ આપ્યો કે, વર્ષ 2022 અને 2023 દરમિયાન ધોરણ 10માં 3350 શિક્ષકો, ધોરણ 12માં 5868 મળી કુલ 9218 શિક્ષકે માત્ર સરવાળો કરવામાં ભૂલ કરી હતી. જેથી શિક્ષણ વિભાગે આવા શિક્ષકોને 1.54 કરોડનો દંડ ફટકાર્યો હતો. આમાં પણ 2022 અને 2023 દરમિયાન ધોરણ 10માં 787 શિક્ષક અને ધોરણ 12માં 1870 મળી કુલ 2657 શિક્ષકે 50.97 લાખથી વધુનો દંડ ભર્યો નથી.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. માર્ચ-૨૦૨૪માં લેવાનાર ધો-૧૦ અને ધો-૧૨ની બોર્ડની પરીક્ષા અનુસંધાને ટોલ ફ્રી હેલ્પલાઇન જાહેર કરવામાં આવ્યો છે. ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની બોર્ડની જાહેર પરીક્ષા માટે વિદ્યાર્થી, વાલી તેમજ શાળાને માર્ગદર્શન માટે ટોલ ફ્રી હેલ્પલાઇન જાહેર કરવામાં આવ્યો છે. આ ટોલ ફ્રી નંબર તા.૦૮/૦૨/૨૦૨૪ થી તા.૨૬/૦૩/૨૦૨૪ દરમ્યાન કાર્યરત રહેશે. આ હેલ્પલાઇનમાં એક્ષ્પર્ટ કાઉન્સેલર તેમજ સાયકોલોજીસ્ટ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. હેલ્પલાઇનનો સમય સવારે ૧૦:૦૦ થી સાંજે ૦૬:૦૦ નો છે. ટોલ ફ્રી હેલ્પલાઇન નં-૧૮૦૦ ૨૩૩ ૫૫૦૦ છે.
બોર્ડ પરીક્ષા આપનારા ઘણા વિદ્યાર્થીઓ ટેન્શન અનુભવતા હોય છે અને તેમને ઘણા પ્રકારની સમસ્યાઓ માટે માર્ગદર્શન જોઈતુ હોય છે.આવા વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઈન ઉપયોગી સાબત થાય છે.દર વર્ષે સેંકડો વિદ્યાર્થીઓ તેના પર ફોન કરીને માર્ગદર્શન મેળવતા હોય છે.કેટલીક વખત વિદ્યાર્થીઓની સાથે સાથે વાલીઓ પણ હેલ્પ લાઈન પર વાત કરતા હોય છે.આ વખતે બોર્ડ પરીક્ષાનો ૧૧ માર્ચથી પ્રારંભ થવાનો છે અને સ્કૂલોમાં પ્રી બોર્ડ પરીક્ષા પૂરી થવાના આરે છે.આગામી એક મહિના સુધી હજારો વિદ્યાર્થીઓ ધો.૧૦ અને ધો.૧૨ની બોર્ડ પરીક્ષાની છેલ્લી ઘડીની તૈયારીઓમાં વ્યસ્ત રહેશે.
વિદ્યાર્થીઓને મુંઝવતા પ્રશ્નોના ઉકેલ માટે જે તે વિષયના નિષ્ણાંતો વાત કરશે. આ ટીમમાં મનોવૈજ્ઞાનિકોને પણ સામેલ કરાયા છે. પ્રશ્નનો ઉકેલ વિદ્યાર્થીઓ સુધી પહોંચી જાય તે માટે આ ખાસ વ્યવસ્થા કરાઇ છે. આ ઉપરાંત બોર્ડની પરીક્ષાને ધ્યાને રાખી પ્રશ્નોના ઉકેલ માટે જિલ્લા કંટ્રોલરૂમ પણ શરૂ કરાશે. જ્યારે અમદાવાદના DEOએ સારથી હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. સાથો સાથ એક વોટ્સએપ નંબર પણ જાહેર કર્યો છે. જે નંબર 99099 22648 છે. અહીં પણ વિદ્યાર્થીઓ મેસેજ કરીને જરૂરી માહિતી મેળવી શકશે.