ઉપરવાસ અને છોટાઉદેપુરમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી સારો વરસાદ વરસી રહ્યો છે જેને કારણે ક્વાંટમાં આવેલી મેણ નદી બે કાંઠે વહેતી થઈ હતી. જોકે મેણ નદીમાંથી ટેમ્પો ચાલક પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન તે ફસાઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં. ત્યાર બાદ તાત્કાલિક ટ્રેક્ટરની મદદથી ટેમ્પાને બહાર કાઢવામાં આવ્યો હતો.
આ ઘટના ક્વાંટ તાલુકાના મોટી ઝડૂલી ગામની છે. ટ્રેક્ટર દ્વારા ટેમ્પાને બહાર કાઢવામાં આવ્યો તેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ટેમ્પા ચાલકને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.
છેલ્લા 24 કલાકમાં છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે જેને લઈને નદી-નાળા છલકાઈ ગયા જ્યારે ખેડતોમાં વરસાદી પાણી ફરી વળ્યાં હતાં. પાવી જેતપુરમાં 3.14 ઈંચ, ઉચોઉદેપુરમાં 3 ઈંચ અને બોડેલીમાં 2.99 ઈંચ ખાબક્યો હતો.
આ ઉપરાંત પાવીજેતપુર ભારે વરસાદને પગલે જુની તાલુકા પંચાયત કચેરીમાં ચાલતી એસ.બી.એમ શાખા, શિક્ષણ શાખા તથા મનરેગા શાખાની ઓફિસમાં પાણી ભરાયા હતાં. તમામ કર્મચારીઓની ખુરશી ટેબલો નીચે પાણી ફરી વળ્યા હતાં. જેને કારણે અધિકારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.