અમદાવાદઃ ગુજરાતમાં ચાર જેટલા આંતકી ઘૂસ્યા હોવાની વિગતો સામે આવી છે. જેમાંથી એક વ્યક્તિ અફઘાનિસ્તાનના કુનર પ્રાંતનો હોવાનું કહેવાય છે. ગુજરાત એટીએસ તરફથી શહેરની એસઓજી, જીલ્લા એસઓજી અને તમામ પોલીસને ફેક્સ મેસેજ દ્વારા આ વાત કહેવામાં આવી છે.


એટીએસ તરફથી જે ફેક્સ મેસેજ મોકલવામાં આવ્યો છે તેમાં કહેવામાં આવ્યું છે કે, ઓગષ્ટ 2019ની શરૂઆતમાં અફઘાન પાસપોર્ટ ધરાવતા ચાર ઇસમો ભારતના શહેરોમાં જ્યાં મોટી સંખ્યામાં જનમેદની એકઠી થતી હોય તેવા સ્થળોએ ટેરર એટેકને અંજામ આપવા સારું અફઘાનિસ્તાન બોર્ડર ક્રોસ કરી ભારતમાં ઘૂસણખોરી કરેલી છે.

અફઘાનીસ્તાનના કુનર પ્રાંતનો પાસપોર્ટ ધરાવતા આ આતંકી ગ્રુપના વડાનો પાસપોર્ટ અને ફોટો પણ પોલીસને કરેલા ફેક્સ મેસેજમાં સામેલ કરાયો છે. સાથે જે તેનું પાકિસ્તાની ઓળખપત્ર પણ સામેલ કરાયું છે. આ બાબતે 15 જુલાઇ 2019થી ફોટોમાં સામેલ ઇસમ અથવા અન્ય કોઇ પણ અફઘાન પાસપોર્ટ ધરાવનાર ઇસમો જે તે વિસ્તારમાં હોય તો તેના સી ફોર્મની વિગતો માહિતી સાથે 18મી ઓગષ્ટ 2019 સુધીમાં જે તે કચેરીઓમાં મોકલવાનો હુકમ કરાયો છે.