અમદાવાદઃ બુધવારે રમા એકાદશીથી દિવાળી પર્વની શરૂઆત થઇ ગઇ છે. દિવાળીના તહેવારોમાં આ વર્ષે તિથિઓને ક્ષયનું ગ્રહણ છે, જેને કારણે ધનતેરસ-કાળીચૌદશની તિથિ અને કાળીચૌદશ-દિવાળીની તિથિ એક જ દિવસે આવે છે.


આ વર્ષે 13 નવેમ્બર, શુક્રવારે ધનતેરસ અને કાળીચૌદશ ભેગી છે. 13મીએ સવારે ઉદિત તિથિ એટલે કે સૂર્યોદયથી સાંજે 6 વાગ્યા સુધી ધનતેરસ રહેશે. ત્યાર બાદ કાળીચૌદશની તિથિ શરૂ થશે, જે 14 નવેમ્બરે શનિવારે બપોરે 2.18 વાગ્યા સુધી રહેશે.

14 નવેમ્બર, શનિવારે બપોરે 2.18 વાગ્યાથી દિવાળીની તિથિ શરૂ થાય છે, જે 15 નવેમ્બરે રવિવારે સવારે 10.37 વાગ્યા સુધી રહેશે. આ દરમિયાન નવા વર્ષનાં ચોપડાપૂજન, લક્ષ્મીપૂજન કરી શકાશે.

તિથિ મળતી ન હોવાથી રવિવારે પડતર દિવસ રહેશે. પડતર દિવસે નવા વર્ષના વેપાર-ધંધાનું મુહૂર્ત કરવાનું અશુભ માનવામાં આવે છે. આ દિવસે મુહૂર્ત કરવાથી ધંધામાં બરકત રહેતી નથી.