અમદાવાદઃ ગુજરાત સરકારના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલના ભાઈ વિજયસિંહ પટેલ ભાજપ છોડી કૉંગ્રેસમાં જોડાયા હતા. ગુજરાત કોગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ વિજયસિંહ પટેલનું કોગ્રેસમાં સ્વાગત કર્યું હતું. હાલમાં વિજયસિંહ પટેલ હાંસોટ APMCના ચેયરમેન છે. અગાઉ વિજયસિંહ પટેલ તાલુકા અને જિલ્લા પંચાયતમાં પણ ચેયરમેન તરીકે રહી ચૂક્યા છે.


વિજયસિંહને કોગ્રેસમાં આવકારતા અમિત ચાવડાએ કહ્યું હતું કે, ભાજપની સહકારી ક્ષેત્રમા દખલગીરીના કારણે વિજયસિંહ પટેલ કોંગ્રેસમાં જોડાઇ રહ્યા છે. ભાજપથી હેરાન થઈને કોંગ્રેસમાં જોડાવનાર વિજયસિંહનુ કોંગ્રેસ પક્ષ સ્વાગત કરે છે. તેઓ પોતાના લોકોને ન્યાય અપાવવા માટે કોગ્રેસમાં જોડાયા છે.


કોગ્રેસમાં જોડાવાની સાથે વિજયસિંહ પટેલે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, હું વર્ષ ૮૫- ૯૦થી  ભાજપના કાર્યકર તરીકે જોડાયેલો હતો. ભાજપના કાર્યકરોનો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડતા ભાજપ પક્ષ દ્વારા મારી અવગણના કરવામાં આવી. મારા પર અનેક કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યા. મને ખોટી રીતે આ બધામાં ફસાવી દેવામાં આવ્યો. મારા પિતા સેવા માટે રાજકારણમાં જોડાયા હતા. અમને લોકોની સેવા કરવામાં રસ છે. હું અપક્ષ તરીકે ચૂંટાઈને આવ્યો છું અને મારો પુત્ર પણ અપક્ષ તરીકે જીતીને આવ્યો છે. કૌટુંબિક નારાજગી રાખી મારા નાનાભાઇ ઇશ્વરસિંહે મારી સાથે ખોટું વર્તન કર્યું છે.


ગુજરાત સરકાર પર પ્રહાર કરતા વિજયસિંહે કહ્યું કે, સરકાર ખેડૂતો સાથે અન્યાય કરી રહી છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડાથી અનેક લોકોને નુકસાન થયું પરંતુ આજ દિવસ સુધી વળતર  મળ્યું નથી. કોગ્રેસમાં જોડાવા પાછળ મારું કોઇ કારણ નથી. હું સેવા કરવા અને લોકોના કામ કરવા કોગ્રેસમાં આવ્યો છું.


ભારતમાં વધ્યા કોરોનાના કેસ


ભારતમાં કોરોનાની સ્થિતિ વણસી રહી હોય તેમ લાગે છે. દેશમાં ફરીથી કોરોના કેસ વધવા લાગ્યા છે.  ગુરુવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 47,092 નવા કોરોના કેસ આવ્યા અને 509 કોરોના સંક્રમિતોના જીવ ગયા છે. છેલ્લા 24 કલાકમાં 35,181 લોકો કોરોનાથી ઠીક થયા છે એટલે કે 11,911 એક્ટિવ કેસ વધ્યા છે.