કચ્છ: ગાંધીધામના ઉદ્યોગપતિના પુત્રનો અપહરણ મામલે આજે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અપહરણ થયેલા યુવક યશ તોમરનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. ગાંધીધામ DC-5 પાછળના ઝાડી વિસ્તારમાં ખાડામાં દાટેલી લાશ મળી આવી છે. પૂર્વ કચ્છ પોલીસે મૃતદેહ બહાર કાઢી બોડીને એફએસએલ માટે જામનગર મૂકવામાં આવી છે.
અંજારના આશાસ્પદ યુવકના ભેદી સંજોગોમાં અપહરણના આજે પાંચમા દિવસે આદિપુરના પંચમુખી હનુમાન મંદિર વિસ્તારની પાછળ બાવળની ગીચ ઝાડીમાં દાટી દેવાયેલી ડીકંપોઝ થઈ ગયેલી લાશ મળી આવી છે. મૃતકના કપડાં અને પહેરેલી ઘડિયાળ પરથી હતભાગીના પિતાએ લાશની ઓળખ કરી છે. મેઘપર બોરીચીની મંગલમ સોસાયટીમાં રહેતો ૧૯ વર્ષિય પશ સંજીવકુમાર તોમર સોમવારે સવારે મોપેડ લઈને કોલેજ જવા નીકળ્યા બાદ રહસ્યમય રીતે તેનું અપહરણ થયું હતું. સાંજે અજ્ઞાત શખ્સ યશની માતાને ફોન કરી ૧૧ તારીખે મુંબઈ આવી સવા કરોડ રૂપિયા આપી જવા જણાવ્યું હતું. ગંભીર ઘટનાની તપાસમાં પૂર્વ કચ્છ પોલીસ દળની વિવિધ દસ ટીમ જોડાઈ હતી.
આજે સવારે પૂર્વ કચ્છના એસપી સાગર બાગમાર, મામલતદાર, નાયબ પોલીસ અધીક્ષક વગેરે અધિકારીઓ પોલીસ કર્મચારીઓના કાફ્કાએ ખાડો ખોદતાં જે શંકા હતી તે સાચી ઠરી છે. પાંચેક ફૂટ ઊંડા ખાડામાં દાટી દેવાયેલો યશનો મૃતદેહ મળી આવ્યો છે. પોલીસે સમગ્ર કાર્યવાહીની વીડિયોગ્રાફી કરાવી છે. મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ માટે જામનગર મોકલવા તજવીજ હાથ ધરાઈ છે. સામે આવેલી વિગતો અનુસાર યશ નિયમિતપણે જીમમાં જતો હતો અને બૉડી બિલ્ડીંગનો શોખીન હતો. તેના અપહરણ અને હત્યાની સમગ્ર ઘટનાને એકથી વધુ લોકોએ ઠંડા કલેજે પ્લાન કરીને અંજામ આપ્યો હોવાની પોલીસને આશંકા છે. જો કે, પાંચ દિવસની તપાસમાં એકમાત્ર મોપેડમાં યશ પાછળ બેઠેલાં હુડી પહેરેલાં અજ્ઞાત યુવક સિવાય બીજી કોઈ શંકાસ્પદ કડી મળી નથી. ટીમ્બર વેપારીના પુત્રના અપહરણ અને હત્યાના બનાવને અજ્ઞાત લોકોએ કયા હેતુથી અંજામ આપ્યો છે તે બાબતે પોલીસ પાસે કોઈ લીડ મળી નથી.
અપહરણ બાદ અંજાર પોલીસે અપહરણ અને ખંડણીના બનાવને ધ્યાનમાં લઈ આસપાસના તમામ પોલીસ સ્ટેશનોમાં જાણ કરી હતી. આ બનાવને ગંભીરતાથી લઈ પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમા૨ અને નાયબ પોલીસ અધીક્ષક મુકેશ ચૌધરીએ LCB, SOG અને આસપાસના પોલીસ સ્ટેશનના અધિકારીઓ કર્મચારીઓની મળીને 10 જેટલી ટીમ બનાવી તપાસ શરૂ કરી હતી. આ તપાસ દરમિયાન સીસીટીવી ચેક કરતાં લાપત્તા યશ છેલ્લે આદિપુર ખાતેના સંતોષી માતાના મંદિર નજીક દેખાયો હતો જેમાં તે સમયે તેની પાછળ કોઈ અજાણ્યો શખ્સ પણ બેસેલો જોવા મળ્યો હતો. યશના અપહરણ સમયે યશના પિતા સંજીવકુમાર તોમર ધંધાના કામથી દિલ્હીમાં હતા. અપહરણ અને ખંડણીની ઘટનાના પગલે યશના માતાએ મોડી રાત્રે 11 વાગ્યે અંજાર પોલીસ સ્ટેશને પહોંચીને ફરિયાદ નોંધાવી હતી. યશના પિતા સંજીવ કુમાર અંજારમાં ટીમ્બરના વેપારી અને બ્રોકર છે. બનાવની જાણ થતાં તેઓ દિલ્હીથી પરત આવી ગયાં હતા.