ગાંધીનગરઃ રાજ્યની ભૂપેન્દ્ર પટેલની સરકાર રાજ્યના ત્રણ મોટા ધાર્મિક સ્થળ અંબાજી, દ્વારકા અને પાલિતાણા સહિત કુલ 11 સ્થળે એરસ્ટ્રીપ વિકસાવવાનો નિર્ણય કર્યો છે. આ માટે રાજ્ય સરકારે અત્યાર સુધીમાં 56.46 કરોડનો ખર્ચ કર્યો છે. વિધાનસભામાં પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં નાગરિક ઉડ્ડયન મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યમાં સિવિલ એવિયેશનના વિકાસ માટે એરસ્ટ્રીપ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અંબાજીમાં જમીન સંપાદન કરવા જિલ્લા કલેક્ટરને સૂચના આપવામાં આવી છે. દ્વારકામાં શોધેલી જમીનમાં પ્રિ-ફિઝિબિલિટી માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને રજૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત દહેજ, પસસોલી, વણોદ (બેચરાજી) અને બગોદરામાં હવાઇ પટ્ટી વિકસાવવાની વિચારણા ચાલી રહી છે.


જ્યારે અમદાવાદથી ધરોઈ સુધીની સી-પ્લેન યોજના માટે સિંચાઈ વિભાગની જમીન સંપાદન કરવાની કાર્યવાહી ઝડપી બનાવવામાં આવી છે. વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં નાગરિક ઉડ્ડયન મંત્રીએ કહ્યું હતું કે રાજ્યમાં સિવિલ એવિએશનના વિકાસ માટે એરસ્ટ્રીપ બનાવવાની કામગીરી શરૂ કરાઈ છે. અંબાજીમાં જમીન સંપાદન માટે જિલ્લા કલેકટરને સૂચના અપાઈ તો દ્વારકામાં શોધેલી જમીનમાં પ્રિ-ફિઝિબિલિટી માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાને રજૂઆત કરાઈ છે. તો મોરબીમાં 2500 મીટરના રનવેના બાંધકામ માટે જમીન મેળવાઇ રહી છે.


અત્યાર સુધી 56 કરોડ કરતા વધુનો થયો ખર્ચ


અંકલેશ્વરમાં ફેઝ-1ની કામગીરીમાં એપ્રન અને ટેક્સી-વેના બાંધકામની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે, જ્યારે રનવેની કામગીરી 80 ટકા પૂર્ણ થઇ છે. રાજપીપળામાં સ્ટડી પ્રમાણે જમીન અનુકૂળ નહીં હોવાથી હાલ કોઇ આયોજન નથી. એરસ્ટ્રીપના વિકાસ માટે કેટલો ખર્ચ કરવામાં આવ્યો છે તેવા પૂરક પ્રશ્નના જવાબમાં મંત્રીએ જણાવ્યું હતું કે 2022માં 4.55 કરોડ અને 2023માં 51.91 કરોડ મળીને કુલ 56.46 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. બીજી તરફ રાજ્ય સરકારે અમદાવાદ-કેવડિયાના સી-પ્લેનની જેમ અમદાવાદ-ધરોઇ સી-પ્લેન પ્રોજેક્ટ માટે સિંચાઇ વિભાગની જમીન ખરીદવાની કાર્યવાહી શરૂ કરી હતી.


ગુજરાત વિધાનસભામાં આજે બે બેઠક મળશે. સવારે 9 વાગ્યે પ્રશ્નોતરી કાળથી વિધાનસભાની પ્રથમ બેઠકનો પ્રારંભ થશે. આ બેઠકમાં કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યઉદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ, આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના પ્રશ્નો પર ચર્ચા થશે.


પ્રશ્નોતરી બાદ વિભાગો પરની માંગણી અને મતદાન થશે.  તો વિવિધ વિભાગો પરની માંગણીની ચર્ચા અને મતદાનનો આજે અંતિમ દિવસ છે.  ત્યારે ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ, નાણાં વિભાગ અને બાકી રહેલા વિભાગોના પ્રશ્નો અંગે ચર્ચા હાથ ધરાશે. તો બપોરે અઢી વાગ્યે પ્રશ્નોતરી કાળથી વિધાનસભાની બીજી બેઠકનો પ્રારંભ થશે. તો આજના દિવસે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ગુજરાત ભાડા, હોટલ અને નિવાસ ગૃહદર નિયંત્રણ વિધેયક અને ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સ્પ્લાન્ટેશન સાયન્સિઝ સુધારા વિધેયક રજૂ કરશે. આ ઉપરાંત બે બિનસરકારી સંકલ્પ પણ રજૂ કરાશે.