અમદાવાદ: હવામાન વિભાગે આગાહી કરી છે કે  સૌરાષ્ટ્ર,  ઉત્તર અને દક્ષિણ ગુજરાત જ્યાં કમોસમી વરસાદ  વરસશે. હવામાન વિભાગના અનુસાર, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય થતાં 24 થી 28 નવેમ્બર દરમિયાન કમોસમી વરસાદ વરસશે.  25 અને 26 નવેમ્બરે ભારે વરસાદ પડશે.  24 નવેમ્બરે સુરત, વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં  માવઠું પડશે.  


25 નવેમ્બરે રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, આણંદ, દાહોદ, સુરત, વલસાડ અને નવસારી જિલ્લામાં ભારે વરસાદ  પડશે.  26 નવેમ્બરે અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, સુરત અને વલસાડમાં ભારે વરસાદ વરસશે.  27 નવેમ્બરે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં માવઠું પડશે. 


ગુજરાતમાં કડકડતી ઠંડી પડશે


હવામાન વિભાગના મતે 25 નવેમ્બરથી ગુજરાતમાં કડકડતી ઠંડી પડશે. આજે પણ કચ્છનું નલિયા સૌથી ઠંડુંગાર રહ્યું. નલિયામાં 16 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. ભૂજમાં 19 અને અમદાવાદમાં 22 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.  


માવઠાની આગાહી કરવામાં આવી


હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 25 અને 26 નવેમ્બરે રાજ્યમાં માવઠુ થઇ શકે છે, પશ્ચિમ બંગાળ અને અરબી સમુદ્રમાં ભેજના કારણે રાજ્યમાં વરસાદની સ્થિતિ પેદા થઇ છે, અને આ કારણે કેટલાય ભાગોમાં માવઠુ થવાનુ પુરેપુરી શક્યતા છે. સૌરાષ્ટ્ર સહિત રાજ્યના કેટલાક વિસ્તારમાં માવઠાની આગાહી છે. માવઠાની આગાહીને ધ્યાનમાં રાખીને રાજ્યમાં ખેડૂતોને સૂચના આપવામાં આવી છે કે, ખેતરમાં પડેલા પાકને ઢાંકીને રાખવો, જેથી નુકસાન નહીંવત થાય.


દેશમાં આગાહી


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 21 થી 25 નવેમ્બર દરમિયાન રાજસ્થાન, પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન સહિત ઘણા રાજ્યોમાં તાપમાનમાં ઘટાડો થશે.


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે એટલે કે મંગળવારે (21 નવેમ્બર) રાજધાની દિલ્હીમાં મહત્તમ તાપમાન 26 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી રહેવાની શક્યતા છે. સોમવારે તાપમાન 27 ડિગ્રી હતું. આ સિવાય હવામાન વિભાગે 22 થી 24 નવેમ્બર દરમિયાન મહત્તમ તાપમાન 26 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી રહેવાની આગાહી કરી છે. સોમવારે દિલ્હી અને એનસીઆરનો હવા ગુણવત્તા સૂચકાંક ખૂબ જ ખરાબ શ્રેણીમાં રહ્યો હતો. સ્કાયમેટ વેધર અનુસાર, પવનની ઝડપ વધવાને કારણે દિલ્હી અને એનસીઆરમાં 21 નવેમ્બરથી હવા ગુણવત્તા સૂચકાંકમાં સુધારો થશે.