ઉપરવાસમાં ભારે વરસાદના કારણે દક્ષિણ ગુજરાતના ઘણાં બ્રિજો પાણીમાં ગરકાવ થઈ ગયા છે જોકે ગઈકાલે નદીમાં પાણીના પ્રવાહમાં વલસાડના વાકલ ગામ પાસે નવો બની રહેલો પુલ પાણીમાં તૂટી ગયો હતો અને પુલ પાણીમાં તળાઈ ગયો હતો.
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે વલસાડ જિલ્લાનો ધરોઈ ડેમ અને માંડવીનો ગોડધા ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. ઓરંગા, પાર અને કોલટ નદીઓ પણ બે કાંઠે વહેતી થઈ ગઈ છે. સિયાલજ પાસેનો બ્રિજ પાણીમાં ગરકાવ થતાં સિયાલજ-કોસંબા વચ્ચેનો વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે.
ખેરગામમાં છેલ્લા 24 કલાકમાં 10 ઈંચ વરસાદ ખાબકતાં ત્રણ પુલ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. નાધઈ વેદાશ્રામથી મરલા-વલસાડને જોડતો ઔરંગા ગરગડિયાનો પુલ, બહેજથી ધરમપુર જતાં ઔરંગા નદીનો પુલ અને ખેરગામના પાટીથી ધરમપુરના ખટાણા તરફ જતા માર્ગ પર આવેલો પુલ પાણીમાં ગરક થઈ ગયો છે, જેને કારણે ખેરગામના લોકોનો ધરમપુર અને વલસાડ સાથેનો સંપર્ક તૂટી ગયો છે.