વલસાડ: વાપી પોલીસ દ્વારા વાહન ચેકીંગ દરમિયાન સેલવાસથી ચોરી કરી ભાગતા 2 ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા છે.  20 લાખના ઘરેણાં સહિત રોકડ કબજે કરવામાં આવી છે. નોકર તરીકે નોકરી કરી ચોરીને અંજામ આપ્યો હતો.  પોલીસ દ્વારા બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. 




જો આપ ઘરમાં કોઈપણ જાતની ખાતરી કે ઓળખ વગર કોઈને નોકર તરીકે રાખી રહ્યા હોય તો ચેતી જજો. કારણ કે ખાતરી કર્યા વગર રાખેલા નોકર કોઈ દિવસ આપના ઘરની  તિજોરી  સાફ કરી શકે છે.  આવી જ એક ઘટના સંઘ પ્રદેશ દાદર નગર હવેલીમાં બની હતી. જો કે ચોંકાવનારી વાતે છે કે ઘરમાં લાખો રૂપિયાની ચોરી થઈ હોવા છતાં પણ પરિવાર અજાણ હતું. પરંતુ વાપી ટાઉન પોલીસે  જાણ કર્યા બાદ પરિવારને જાણ થઈ હતી કે તેમના ઘરમાં લાખો રૂપિયાની ચોરી થઈ હતી.


યુવકો પોલીસને જોઈને ભાગ્યા


આ બનાવની વિગતો મુજબ,   વાપી ટાઉન પોલીસ ગણેશ મહોત્સવ દરમિયાન રાત્રિ પેટ્રોલિંગમાં હતી. એ સમયે  વાપીના ગીતા નગર પોલીસ ચોકી નજીક એક રિક્ષામાં બેસેલા બે યુવકોની હરકત  શંકાસ્પદ લગતા પોલીસે રિક્ષા અટકાવવાનો પ્રયાસ કરતા રિક્ષામાં સવાર બે યુવકો પોલીસને જોઈને ભાગ્યા હતા. આ કારણે પોલીસનો શક વધુ મજબૂત થતાં પોલીસે પીછો કરી આ બંનેને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા યુવકો પાસેથી મળેલી બેગ ખોલી જોતા પોલીસ પણ ચોંકી ગઈ હતી. કારણ કે બેગમાં લાખો રૂપિયાની રોકડ રકમ અને સોના ચાંદીના દાગીના હોવાનું સામે આવ્યું હતું. 


ઘરઘાટી નોકર તરીકે કામ કરતા


પોલીસે બેગમાં રહેલા લાખો રૂપિયાના મુદ્ માલ સહિત બંને આરોપીઓની અટકાયત કરી હતી. વાપી ટાઉન પોલીસની સતર્કતાને કારણે ઝડપાયેલા બંને આરોપીઓની તપાસ કરતા થાના પીરા રાજપૂત અને હરેશ રસાયમલ ઠાકોર  નામના આ બંને આરોપીઓ બનાસકાંઠાના વાવના રહેવાસી હતા.  તે માત્ર એક અઠવાડીયાથી જ  સેલવાસના શાહ પરિવારના ત્યાં ઘરઘાટી નોકર તરીકે કામ કરતા હતા. આ પરિવાર પોતે રાખેલા નોકરોથી પરિચિત ન હતો પરંતુ સુરતના પોતાના એક પરિચિતના કહેવાથી તેમને ઘરે નોકરીએ રાખ્યા હતા. 


તક મળતા ઘરની તિજોરીમાં હાથ ફેરો  કર્યો


નોકરોએ ઘરમાં  તક મળતા હાથ ફેરો કરી તિજોરી સાફ કરી નાખી હતી. ભોગ બનેલો પરિવાર પર્યુષણ હોવાથી દેરાસરમાં ગયો હતો. આ વખતે જ આરોપીઓએ તક મળતા ઘરની તિજોરીમાં હાથ ફેરો  કર્યો હતો. ત્યારબાદ ઘરેથી નીકળી ગયા હતા. જો કે દેરાસરથી ઘરે આવ્યા બાદ પણ આ પરિવારને ઘરમાં કોઈ જગ્યાએ ચોરી થઈ હોવાનો અણસાર પણ આવ્યો ન હતો. પરંતુ વાપી ટાઉન પોલીસની સતર્કતાને  કારણે આરોપીઓ મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયા બાદ પોલીસે જ્યારે જાણ કરી ત્યારે જ  પરિવારને  તેમના ત્યાં લાખોની ચોરી થઈ હોવાનું  જાણ થઈ હતી. 


લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના લઈ ફરાર થયા હતા


ઘરમાં કામ કરતી વખતે જ મોકો મળતા તેઓએ જે ઘરમાં જે પરિવાર તેમને કામ આપીને પગાર આપી રહ્યો હતો તેમાં જ હાથફેરો કર્યો અને રૂપિયા દોઢ લાખથી વધુની રોકડ રકમ અને લાખો રૂપિયાના સોના ચાંદીના દાગીના લઈ અને ફરાર થઈ રહ્યા હતા.  જોકે આરોપીઓએ એટલી ચપળતાથી ચોરીને અંજામ આપ્યો હતો કે ભોગ બનેલા પરિવારને તેનો અણસાર પણ આવ્યો નહોતો.  પરંતુ આરોપીઓ વાપી ટાઉન પોલીસના હાથે મુદ્દામાલ સાથે ઝડપાઈ જતા પોલીસે ભોગ બનેલા પરિવારને સામે ચાલી અને જાણ કરી હતી.  આ પરિવારને પોતાના ઘરમાં લાખોની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું.  જોકે સદનસીબે ચોરોએ  જેટલો ઘરમાંથી હાથ ફેરો કર્યો હતો તે તમામ મુદ્દા માલ પરત મેળવવામાં વાપી ટાઉન પોલીસને સફળતા મળી હતી.