મોરબીના વર્ષામેડી ગામમાં તળાવમાં ડૂબી જતા ત્રણ બાળકોના મોત થયા હતા. મળતી જાણકારી અનુસાર, મોરબીના માળીયાના વર્ષામેડી ગામે તળાવમાં ડૂબી જતાં ત્રણ બાળકોના કરુણ મોત થયા હતા. નોંધનીય છે કે બે દિવસ અગાઉ  ભાવનગરથી સીદસર જતા રોડ ઉપર પાણીની ટાંકી નજીકથી મફતનગરના છેવાડે આવેલા બોરતળાવમાં ડૂબી જતાં ચાર બાળકોના મોત થયા હતા


વર્ષામેડી ગામમાં તળાવમાં તળાવમાં ન્હાવા ગયેલા ત્રણેય બાળકોના મોત થયા હતા. મેહુલ ભૂપતભાઈ મહાલિયા (ઉ.૧૦), શૈલેષ અમરશીભાઈ ચાવડા(ઉ.૮) અને ગોપાલ કાનજીભાઈ ચાવડા(ઉ.૧૨) નું તળાવમાં ડૂબી જવાના કારણે મોત થયું હતું. ત્રણેય બાળકોના મોતને પગલે પરિવારમાં શોકનો માહોલ સર્જાયો હતો. ત્રણેયના મૃતદેહને પી એમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.


નોંધનીય છે કે ભાવનગરના સિદસરમાં બોરતળાવમાં ડૂબી જવાના કારણે ચાર બાળકીઓના મોત થયા હતા. જ્યારે એક બાળકીનો આબાદ બચાવ થયો છે. સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ કાળઝાળ ગરમીથી રાહત મેળવવા માટે આ બાળકીઓ બોર તળાવવામાં ન્હાવા માટે ગઇ હતી. પરંતુ પાંચમાંથી ચારેયના ડૂબી જવાથી મોત થયા છે. મળેલી માહિતી અનુસાર, મૃતકોમાં રાશિબેન મનીષભાઈ ચારોલીયા (ઉંમર-9), કાજલબેન વિજયભાઈ જાંબુચા (ઉંમર-8), અર્ચનાબેન હરેશભાઈ ડાભી (ઉંમર 17 વર્ષ), કોમલબેન મનીષભાઈ ચારોલીયા (13 વર્ષ ઉંમર)ના મૃત્યુ થયા છે. જ્યારે એક 13 વર્ષીય બાળકીનો આબાદ બચાવ થતા તેને ભાવનગરની સર ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.


 ભાવનગર શહેરના તળાવમાં ચાર બાળકીના મોત મામલે પૂર્વ વિપક્ષના નેતા અને આ જ વિસ્તારના નગરસેવકે મહાનગરપાલિકાના વોટર વર્કસ વિભાગ ઉપર ગંભીર આરોપો લગાવ્યા હતા. પરંતુ આ બાબતે મહાનગરપાલિકાના ચેરમેનને પૂછતા તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે સુજલામ સુફલામ યોજના અંતર્ગત સરકારી નિયમ મુજબ કામકાજ કરવામાં આવ્યું છે અને વિપક્ષ દ્વારા પાયા વિહોણા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે માટે કોઈ તપાસ કરવામાં આવશે નહીં.