Gujarat Rain: જુનાગઢના સુત્રેજા ગામ ખાતે પાણીમાં ફસાયેલા બે વ્યક્તિનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. જામનગરથી આવેલ હેલિકોપ્ટરના માધ્યમથી રેસક્યુ કરવામાં આવ્યું હતું.  આ બન્ને વ્યક્તિઓ 14 કલાકથી વધુ સમયથી ફસાયા હતા. જીવ બચાવવા બન્ને વ્યક્તિઓએ વીજપોલનો સહારો લીધો હતો. ફસાયેલા વ્યક્તિઓમાં પોલાભાઈ માવદિયા જેમની ઉંમર 48 વર્ષની છે જ્યારે સામરાભાઈ લકડકા જેમની ઉંમર 35 વર્ષની છે. રાત્રે ખેતરનું રખોપુ કરવા આ બન્ને વ્યક્તિ ગયા હતા. જે બાદ ભારે વરસાદને કારણે બન્ને વ્યક્તિઓ ત્યાં ફસાઈ ગયા હતા.


 



ભારે વરસાદના કારણે પાણીના વહેણમાં ફસાયેલા બે નાગરિકોને એરફોર્સની ટીમે રેસ્ક્યું કરીને સલામત રીતે જામનગર શિફ્ટ કર્યા છે.બંન્ને નાગરિકોને જામનગર એરફોર્સ ખાતે લઈ જઈ તેમને મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવ્યા છે.


જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ઓસા ગામે ભરત કારા મૂછડિયા અને અંકિત નામના વ્યક્તિઓ પાણીના વહેણમાં ડૂબ્યા હતા. જે બાદ ભરત મૂછડિયનો આબાદ બચાવ થયો છે. જેસીબી મશીન પાણીમાં ઉતારી યુવકને બચાવી લેવામાં આવ્યો હતો. જ્યારે,અંકિત નામના વ્યક્તિની શોધખોળ ચાલું છે. તમને જણાવી દઈએ કે, હાલમાં જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેને લઈને અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.


ગર્ભવતી મહિલાને હોસ્પિટલે ખસેડવા ગામના યુવાનો આવ્યા મદદે


છેલ્લા બે દિવસથી જૂનાગઢ અને ગીર સોમનાથ વિસ્તારમાં અનરાધાર વરસાદ પડી રહ્યો છે. જેના કારણે અનેક ગામોનો સંપર્ક તૂટ્યો છે. ગામમાં પ્રવેશવાના રસ્તાઓ બંધ થતા લોકો હાલાકી ભોગવી રહ્યા છે. ખાસ કરીને કોઈ હેલ્થ ઈમરજન્સીના કેસમાં લોકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડી રહી છે. આવી જ ઘટના સામે આવી છે ઉનામાં.


 



ઉના ખત્રી વાડા ગામે એક ગર્ભવતી મહિલાને ગામ લોકો અને હેલ્થ કર્મીઓના પ્રયાસોથી મહામહેનતે સારવાર માટે ખસેડવામાં આવી છે.  આ અંગે સામે આવેલી વિગતો અનુસાર તેજલ બેન પ્રતાપભાઈ રાઠોડ નામની મહિલા ગર્ભવતી હતી. જે બાદ આજે તેમને અચાનક લેબર પેઈન ઉપડ્યું હતું. જો કે આ વિસ્તારમાં અનરાધાર વરસાદ પડવાને કારણે ગામના તમામ રસ્તાઓ બ્લોક થઈ ગયા હતા. જેને કારણે 108 ગામમાં પ્રવેશી શકે તેમ નહોતી. ખત્રીવાડા ગામને ચારે બાજુ નદીના પુરે ઘેરી લીધું હતું.


ખત્રીવાડા ગામને ચારે બાજુ રુપેણ નદીનું પાણી હોવાના કારણે તથા નદી ઉપર કોઈ પણ જાતનો પુલ ન હોવાને કારણે તેજલબેન રાઠોડને હોસ્પિટલે ખસેડવામાં મુશ્કેલી પડી રહી હતી. જો કે, આવા ઈમરજન્સીના સમયે ગામના યુવાનો તથા સરપંચ તથા સનખડા ગામના યુવાનો, ઉનાના પીઆઈ તથા પોલીસ સ્ટાફ મળીને ચાર પાઈની મદદથી 108 એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવામાં આવ્યા હતા. 108 કર્મચારી, ઉના પીઆઇ અને પોલીસ ટીમ તેમજ ગામ આખાના યુવાનો દ્વારા રેસ્ક્યુ કરાયું હતું.રૂપેણ નદીના ધસમસતા પ્રવાહમાં આખા ગામના યુવાનો અને પોલીસ ખડે પગે ઉભા રહી ગયા હતા અને આખરે આ મહિલાને દોરડાં બાંધી ચાર પાઇની મદદથી બહાર લાવવામાં આવ્યા અને ત્યારબાદ પોલીસે ટ્રેકટરની મદદથી પાણીથી દુર લઈ જવાયા અને 108 મારફતે  હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા.


Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial