Ukai Dam Water Level: રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી વધુ સમયથી ભારે વરસાદ ખાબકી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 183 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે, જેમાં સૌથી વધુ વરસાદ ભરૂચ જિલ્લાના વાલિયામાં 12 ઇંચ પડ્યો છે, જ્યારે સોનગઢ અને વ્યારામાં 10 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. દક્ષિણ ગુજરાત અને ઉપરવાસમાં ભારે વરસાદના કારણે તાપી નદી પરનો ઉકાઇ ડેમ છલકાયો છે, ડેમની જળસપાટીમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે, જેના કારણે કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ મૉડમાં રાખવામાં આવ્યુ છે.
માહિતી પ્રમાણે, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે. સુરત જિલ્લા અને ઉપરવાસમાં વરસાદથી હાલમાં ઉકાઈ ડેમની જળસપાટી વધી છે. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ગણાતા ઉકાઇ ડેમમાં પાણીની ભારે આવક થઇ રહી છે. ખાસ વાત છે કે, સતત વરસાદ થવાના કારણે ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદી બે કાંઠે વહેતી થઇ છે. ઉકાઈ ડેમનું રૂલ લેવલ જાળવવા 1.63 લાખ ક્યૂસેક પાણી છોડાયું છે. કૉઝ-વેમાંથી તાપી નદીમાં 1.98 લાખ ક્યૂસેક પાણી વહી રહ્યું છે. ઉપરવાસમાં સતત વરસાદથી તાપી નદીના જળસ્તરમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે.
રાજ્યના ડેમ કેટલા ઓવરફ્લો
સારા વરસાદને પગલે રાજ્યના 207 પૈકી 110 જળાશયો છલોછલ થયા છે. કચ્છ-સૌરાષ્ટ્રના 94 જળાશયો સંપૂર્ણ ભરાયા છે. તો દક્ષિણ ગુજરાતના નવ, મધ્ય ગુજરાતના છ અને ઉત્તર ગુજરાતનો એક ડેમ છલોછલ થયો છે. પાણીની ભરપૂર આવકથી રાજ્યના 152 જળાશયો હાઈએલર્ટ, એલર્ટ અને વોર્નિંગ પર છે. 90 ટકાથી વધુ ભરાયેલા 131 જળાશયો હાઈએલર્ટ પર છે. 80થી 90 ટકા ભરાયેલા 15 જળાશયો એલર્ટ પર છે, તો 70થી 80 ટકા ભરાયેલા છ જળાશયો વોર્નિંગ પર છે.
સિઝનમાં ક્યાં કેટલા ટકા વરસ્યો વરસાદ
છેલ્લા ચાર વર્ષની તુલનાએ આ વર્ષે ઓગસ્ટમાં સૌથી વધુ 17.68 ઈંચ વરસાદ વરસ્યો છે. ખેરગામ તાલુકામાં સિઝનનો સૌથી વધુ 128.68 ઈંચ વરસાદ વરસ્યો છે. તો છ તાલુકાઓમાં 100 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. રાજ્યમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 111.21 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ કચ્છ જિલ્લામાં સિઝનનો 179.21 ટકા વરસાદ વરસ્યો, તો સૌરાષ્ટ્રમાં સિઝનનો 125 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 111.61 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે મધ્ય ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 105 ટકા અને ઉત્તર ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીનો વરસ્યો 88.28 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
આ પણ વાંચો
Rain: ગુજરાત માથે હજુ 6 દિવસનો ખતરો, 3થી 9 સપ્ટે. સુધી આ વિસ્તારોમાં વરસાદનું જોર વધશે