Pralhad Joshi On Bilkis Bano Case: કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ બિલ્કીસ બાનો કેસમાં દોષિત 11 લોકોને મુક્ત કરવા અંગે ગુજરાત સરકારના જવાબનો બચાવ કર્યો હતો. મંગળવારે (18 ઓક્ટોબર) કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે, "મને આમાં કંઈ ખોટું દેખાતું નથી કારણ કે તે કાયદાની પ્રક્રિયા છે." કેન્દ્રીય મંત્રીએ એનડીટીવીને જણાવ્યું કે જેલમાં ઘણો સમય વિતાવનારા દોષિતો માટે મુક્તિની જોગવાઈ છે. કાયદા દ્વારા, આ કરવામાં આવે છે.


આ તમામ આરોપીઓને ફરીથી જેલમાં મોકલવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. સોમવારે (17 ઓક્ટોબર) કેસની સુનાવણી દરમિયાન ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં કેદીઓની મુક્તિના સમર્થનમાં એફિડેવિટ આપ્યું હતું. ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે દોષિતોની 14 વર્ષની સજા પૂરી થઈ ગઈ છે અને તેમનું વર્તન સારું હોવાનું જાણવા મળ્યું છે. જેથી કેન્દ્રએ આરોપીઓને છોડવા મંજૂરી આપી હતી.


આરોપીઓને 15 ઓગસ્ટના રોજ મુક્યા કરાયા


કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગુજરાતની વિનંતીના બે અઠવાડિયામાં દોષિતોને મુક્ત કરવાની મંજૂરી આપી હતી. ગુજરાતે 28 જૂને કેન્દ્રની મંજૂરી માંગી હતી અને 11 જુલાઈએ મંજૂરી મળી હતી. દેશભરમાં આક્રોશ વચ્ચે દોષિતોને 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ પર મુક્ત કરવામાં આવ્યા હતા. આરોપીઓનું જેલની બહાર હાર અને મીઠાઈઓથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.


CBIએ વાંધો ઉઠાવ્યો હતો


કેન્દ્ર અને ગુજરાત સરકારે આરોપીઓને મુક્ત કરવા માટે સીબીઆઈ અને વિશેષ ન્યાયાધીશના સખત વાંધાઓને ફગાવી દીધા હતા. સીબીઆઈએ ગયા વર્ષે કહ્યું હતું કે આ અપરાધ "જઘન્ય અને ગંભીર" છે અને તેમાં કોઈ ઢીલાશ ન હોવી જોઈએ. વિશેષ ન્યાયાધીશે કહ્યું હતું કે પીડિતા એક વિશેષ ધર્મની હોવાના આધારે મહિલા વિરુદ્ધ ગુનો આચરવામાં આવ્યો હતો. આ કેસમાં નાના બાળકોને પણ બક્ષવામાં આવ્યા ન હતા.


માર્ચ 2002માં બની હતી આ ઘટનાઃ


ઉલ્લેખનીય છે કે, માર્ચ 2002માં ગોધરાકાંડ પછીના રમખાણો દરમિયાન ટોળાએ બિલ્કીસ બાનોના પરિવારના સભ્યો પર હુમલો કર્યો હતો. બિલ્કીસ બાનો પર સામૂહિક બળાત્કાર થયો હતો. આ દરમિયાન તેના પરિવારના સાત લોકોની હત્યા કરવામાં આવી હતી. આ ઘટના સમયે બિલ્કીસ બાનો ગર્ભવતી હતી. બિલ્કીસની ત્રણ વર્ષની પુત્રીની પણ હત્યા કરવામાં આવી હતી.