Gujarat Weather Update Live :અમદાવાદ સહિત આ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસ્યો વરસાદ, જાણો રાજ્યમાં શું છે માવઠાની સ્થિતિ

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ફરી ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. અમદાવાદ ગાંધીનગર સૌરાષ્ટ્ર કચ્છ સહિતના અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે.

gujarati.abplive.com Last Updated: 29 Apr 2023 04:42 PM
લોધિકામાં પણ ભારે પવન ફૂંકાતા અનેક વીજ પોલ ધરાશાયી

લોધિકામાં પણ ભારે પવન ફૂંકાતા અનેક વીજ પોલ ધરાશાયી થયા હતા.  શુક્રવારે લોધિકામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. પવન ફૂંકાતા આશરે 25થી વધુ વીજ પોલ જમીનદોસ્ત થતા વીજપુરવઠો ખોરવાયો હતો જેને લઇ PGVCLની ટીમે  રિપેરીંગ કામગીરી શરૂ કરી હતી. 

વડોદરાના ડેસરમાં વૃક્ષો ધરાશાયી

ભારે પવન સાથે વરસાદ વરસતા વડોદરાના ડેસરમાં વૃક્ષો ધરાશાયી થયા હતા.  ડુંગરીપુરા ઉટવાડ માર્ગ ઉપર ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થતાં વાહન વ્યવહાર પર માઠી અસર થઇ હતી. વૃક્ષોની સાથે 3 વીજપોલ ધરાશાયી થતા વીજ પુરવઠો પણ ખોરવાયો હતો.  

કોડીનાર નું ક્રિકેટ સ્ટેડિયમ પાણી ભરાયું

કોડીનારમાં પણ કમોસમી વરસાદે જનજીવને પ્રભાવિત કર્યું છે, વહેલી સવારથી ગાજવીજ સાથે પડેલા વરસાદના કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે. ધોધમાર  વરસાદના પગલે સવારે ક્રિકેટ સ્ટેડિયમ પાણી થી છલોછલ  ભરાઇ ગયું હતું.

કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ, રસ્તા પર ભરાયા પાણી

હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છમાં આજે સવારથી વરસાદ પડી રહ્યો છે. કચ્છના અનેક વિસ્તારમા કમોસમી વરસાદ પડતાં ખેડૂતો ચિંતામાં મૂક્યા છે. કચ્છના ત્રાયા, ગળપાદર, રાયધણપર વાડી,(ભુજમાં ગાજ વીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો.

જામનગરના ધ્રોલમા છેલ્લા 2 કલાકમાં પડ્યો દોઢ ઇંચ વરસાદ

જામનગરના ધ્રોલમા છેલ્લા 2 કલાકમાં ધોધમાર વરસાદ વરસ્યો,  સવારે 10 થી 12 કલાક વચ્ચે  દોઢ ઇંચ વરસાદ ખાબક્યો છે.ધ્રોલમાં એકધારા વરસાદથી કેટલાક રસ્તાઓ પણ પાણી ફરી વાળ્યાં છે. ભર ચોમાસે જોવા મળતા દ્રશ્યો ઉનાળામાં ધ્રોલમાં જોવા મળ્યા હતા.


હવામાન વિભાગની આગાહી મુજબ મોરબી,પોરબંદર,સુરેન્દ્રનગર,બોટાદ,પાટણ ,મહેસાણા,છોટાઉદેપુરમા પવનની 40 કિમી ઝડપની સાથે  વરસાદ વરસવાનો અનુમામ છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં ધીમી ધારે કમોસમી વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક

હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરેન્દ્રનગર જિલ્લામાં ધીમી ધારે વરસાદ વરસ્યો. ધાંગધ્રા શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ વરસતા પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. ધાંગધ્રા શેરી વિસ્તાર તેમજ ગ્રામ્ય પંથકના હરીપર દુદાપુર ધુમ્મઢ સતાપર નવલગઢ જેગડવા જસાપર વગેરે ગ્રામ્યમાં વરસાદ ધીમી ધારે શરૂ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.

મોરબીમાં વહેલી સવારે જ કમોસમી વરસાદ ખાબકતા, ચોમાસા જેવો માહોલ સર્જાયો

મોરબીમાં સવારના વરસાદ વરસતા અનેક સ્થળે પાણી ભરવાના દશ્યો સામે આવ્યા છે. શહેરમાં માર્ગો પર પાણી ભરવાના દર્શ્યો સામે આવ્યા છે. શહેરના શનાળા રોડ, લાતી પ્લોટ, છાત્રાલય રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો.

દ્વારકા જિલ્લાં ખાબક્યો કમોસમી વરસાદ, ખેતરના પાકને નુકસાનની ભીતિ

દ્વારકા જિલ્લામમાં સાર્વત્રિક કમોસમી વરસાદ વરસ્યો છે. અહીં દ્વારકા જિલ્લાના વાડીનાર , ભરાણા, ટીંબડી , નાના આંબલા ,મોટા આંબલા ,માઢા , કજુરડા સહિતમાં ગાજવીજ સાથે વરસાદ વરસતા ખેતરોમાં પાણી ભરાઇ ગયા છે તેમજ ખેડૂતો ના ઉભા મોલને પણ નુકસાન થયું છે.

રાજકોટ અને ગોંડલમાં વહેલી સવારે વરસ્યો ધોધમાર વરસાદ, અન્ડર બ્રીજમાં ભરાયું પાણી

સૌરાષ્ટમાં પણ કમોસમી વરસાદે ચોમાસા જેવો માહોલ સર્જી દીધો છે. અહીં રાજકોટ, ગોંડલ  શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદના કારણે શહેરના મુખ્ય રસ્તાઓ અને શેરીમાં  પર વરસાદી પાણી ફરી વળ્યાં છે. અહીં ગાજવીજ સાથે એક કલાકથી વધુ વરસાદ પ઼ડ્યો હતો. ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારમાં વીજળી ગૂલ થઇ ગઇ હતી. કમોસમી વરસાદના પગલે ખેડૂતો ચિંતા મૂક્યા છે.

રાજકોટ જિલ્લાના ગોંડલમાં વરસાદથી ઉમવાડા અંડર બ્રિજમાં પાણી ભરાઇ ગયું છે. શહેરના મુખ્ય વિસ્તારો કોલેજ ચોક, લાલપુલ, બસ સ્ટેન્ડ રોડ, ઉમવાડા અંડર બ્રિજમાં પાણી વહેતા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. પાણીના ભરાવાના કારણે વાહન ચાલકોને પારવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

મહીસાગર જિલ્લામાં વહેલી સવારથી ગાજવીજ સાથે ખાબક્યો વરસાદ, ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ

મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાનપુર બાલાસિનોર વિરપુર પંથકમાં પણ કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોને નુકસાન ભિતી સેવી રહ્યાં છે. વહેલી સવારથી જ વીજળીના કડાકા સાથે વરસાદ વરસતાં અહીં વાતાવરણ ઠડુગાર બન્યું છે. અહીં ખાનપુરના નરોડામાં ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે.

ભાવનગરમાં વહેલી સવારથી સુસવાટા મારતા પવન સાથે કમોસમી વરસાદની એન્ટ્રી

ભાવગનર જિલ્લામાં પણ છૂટછવાયો વરસાદ પડી રહ્યો છે. વાદળછાયા વાતાવરણની વચ્ચે અહીં અનેક વિસ્તારમાં ઝાપટા પડ્યાં.
સૂર્યનારાયણ આખો દિવસ વાદળો વચ્ચે ઘેરાયેલા રહેતા ગરમીની અસર નહીંવત રહી.  ઉનાળાની ઋતુ મધ્ય ચરણમાં પહોંચી છતાં એક પણ વખત ગરમીનો પારો  અઙીં 40 ડિગ્રીએ પહોંચ્યો નથી, 48 કલાકમાં મહત્તમ તાપમાન 3.7 ડિગ્રી ઘટયું છે. જેસર તાલુકાના ગ્રામ્ય પંથકમાં વહેલી સવારે વાતાવરણ પલટાયું ધીમીધારે કમોસમી વરસાદ પડ્યો.બદલાયેલા વાતાવરણ નાં કારણે બાજરી, ડુંગળી અને કેરી, મગ, તલ જેવા અન્ય પાકોમાં ખેડૂતોને નુકસાની થવાની ભીતિ સેવાઇ રહી છે. રાણીગાળા, ઝડકલા, પા, કાત્રોડી, ચોક, જલિયા સહિતના ગ્રામ્ય પંથકમાં છૂટા છવાયો કમોસમી વરસાદ શરૂ થયો છે.

અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદ, ધરતીપુત્રોની વધી ચિંતા

અરવલ્લી જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો અહી મોડાસા,અને ભિલોડા પંથકમા ધોધમાર વરસાદ વરસ્યો.બાયડ,મેઘરજ, માલપુર તાલુકામાં પણ વરસાદી માહોલ જામ્યો હતો.તો મોડાસાના ટીંટોઈ, જીવનપુર સહિતના વિસ્તાર મા ગાજવીજ સાથે વરસાદ વરસતાં ખેતીના પાકને વ્યાપક નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. ભિલોડાના સુનોખ, વાંસેરા પંથકમાં સાંજથી વરસાદ વરસ્યો હતો.

ગાંધીનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં મધરાથી શરૂ થયા વરસાદી ઝાપટા

હવામાન વિભાગની આગાહી વચ્ચે ગાંધીનગરમાં પણ મધરાતે વરસાદ ખાબક્યો હતો. અહીં ગાંધીનગર સહિત આસપાસના વિસ્તારમાં છૂટછવાયો વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદે ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જી દીધો છે.

સાબરકાંઠા જિલ્લામાં મોડી રાત્રે વાતાવરણમાં આવ્યો પલટો,ઇડર, ખેડબ્રહ્મા સહિતના વિસ્તારમાં પડ્યો વરસાદ

હવામાન વિભાગની આગાહી વચ્ચે જિલ્લાના મોડ઼ી રાતથી વતાવરણમાં પલટો જોવા મળ્યો. જિલ્લામાં મોડી રાત્રે વરસ્યો કમોસમી વરસાદ.મોડી રાત્રે જિલ્લાના આઠ તાલુકા પૈકી સાત તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો. પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ ખાબકતાં અહીં ચોમાસા જેવો માહોલસ સર્જાયો છે.


24 કલાકમાં નોંધાયેલ કમોસમી વરસાદ



  • ઇડર 08 મિમી

  • ખેડબ્રહ્મા 04 મિમી

  • તલોદ 04 મિમી

  • પ્રાંતિજ 05 મિમી

  • પોશીના 00 મિમી

  • વડાલી 07 મિમી

  • વિજયનગર 06 મિમી

  • હિંમતનગર 08 મિમી


કોડીનારમાં ગાજવીજ સાથે 4 કલાક સુધીમાં પડ્યો 2 ઇંચ વરસાદ, રસ્તા પર ભરાયા પાણી

કોડીનારમાં કમોસમી વરસાદે ચોમાસા જેવી સ્થિતિ સર્જી છે. અહીં મધ્ય રાત્રી ના 2 થી સવારે 6 વાગ્યા સુઘીમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ભારે પવન અને ગાજ વીજ સાથે  વરસાદ વરસતાં રસ્તા પર પાણી ભરાઇ ગયા છે. કોડીનારમાં ભારે કડાકા ભડાકા અને પવન ના સુસવાટા સાથે 4 કલાક સુધી વરસાદ વરસ્યો.કમોસમી વરસાદે ખેતીના પાકને વ્યાપક નુકસાની ભીતિ સેવાઇ રહી છે જેના કારણે ધરતીપુત્રો ચિંતામાં મૂકાયા છે.

બ્રેકગ્રાઉન્ડ

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ફરી ગુજરાતમાં  વરસાદી માહોલ જોવા મળ્યો છે.  અમદાવાદ ગાંધીનગર સૌરાષ્ટ્ર કચ્છ સહિતના અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદમાં
એસજી હાઇવે, ગોતા, રાણીપ , બોપાલ, સાઉથ બોપલ, સેલા, સાબરમતી,બાપુનગર, મણિનગર સહિત વેજલપુરમાં આજે વહેલી સવારથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. માવઠાએ ભર ઉનાળે ચોમાસા  જેવો માહોલ સર્જી દીધો છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.