Gujarat Crime News: છેલ્લા કેટલાક દિવસોમાંથી રાજ્યમાં સીઆઇડી ક્રાઇમ પોલીસ એક્શનમાં આવી છે. વિદેશમાં નોકરીની લાલચ આપીને લોકો સાથે ઠગાઇ કરનારી ટોળકીનો એક પછી એક મોટા કૌભાંડનો પર્દાફાશ થઇ રહ્યો છે. આજે સીઆઇડીએ અમદાવાદના વધુ એક વિઝા કન્સલટન્સ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ લોકો જુદીજુદી યૂનિવર્સિટીઓના નકલી પ્રમાણપત્રો આપીને લોકો પાસેથી લાખો રૂપિયા ખંખેરી લેતા હતા.


સીઆઈડી ક્રાઈમે રાજ્યની વિવિધ ઈમીગ્રેશન ફર્મ પર પાડેલા દરોડા બાદ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદમાં આઉટ સૉર્સ ઇન્ડિયા ફર્મના સંચાલકો સહિત 6 લોકો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વિજય ચાર રસ્તા પાસે આવેલા આઉટ સૉર્સ ઇન્ડિયા નામની ઓફિસ પર પણ દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં પોલીસને મોટા પ્રમાણમાં બનાવટી પ્રમાણપત્રો અને ગેઝેટ્સ તેમજ અન્ય દસ્તાવેજો મળી આવ્યા હતા. જેના આધારે સીઆઇડી ક્રાઇમે કાર્યવાહી કરી, આ શખ્સો યુવાનો પાસેથી લાખો રૂપિયા લઇને યુવકોને ગેરકાયદેસર રીતે ઇગ્લેન્ડ, અમેરિકા અને કેનેડા મોકલવાનું કૌભાંડ ચલાવવામાં આવતું હતું.


પોલીસે દરોડાની કામગીરી દરમિયાન ઓસમાનિયા યૂનિવર્સિટી હૈદરાબાદ, છત્તીશગઢ યૂનિવર્સીટી, મોનાદ યૂનિવર્સીટી, છત્રપતિ સાહજી યૂનિવર્સિટીના બનાવટી પ્રમાણપત્રો મોટા પ્રમાણમાં મળી આવ્યા હતા, તેમજ લેપટોપ, મોબાઇલ ફોન અને અન્ય દસ્તાવેજો મળી આવ્યા હતા. જેના આધારે પોલીસે ફર્મના પાર્ટનર દિપક પટેલની પુછપરછ કરતા કેનેડામાં રહેતા તેના ભાગીદાર સ્નેહલ પટેલનુ નામ બહાર આવ્યું હતું, વધુ પુછપરછમાં વિગતો ખુલી કે સાણંદમાં રહેતો અનિલ મિશ્રા અને દિલ્લીમાં રહેતા અમરેન્દ્રપુરી અને નિરવ મહેતા પાસેથી આ બનાવટી પ્રમાણપત્રો તૈયાર કરી આપતો, જેના બદલામાં તેને 10થી 20 હજાર રૂપિયા મળતા હતા, જ્યારે દિપક પટેલ વિદ્યાર્થીઓને બનાવટી પ્રમાણપત્રોના બદલામાં રૂપિયા 60 હજારથી લઇને ૧.૨૫ લાખની લેવામાં આવતા હતા. 


વિદેશમાં નોકરીની લાલચ આપી લોકો સાથે ઠગાઈ આચરવાના બનાવો સતત વધી રહ્યા છે. ખોટા ડૉક્યૂમેન્ટ બનાવીને વિઝા આપવાની લાલચ આપતું આખું રેકેટ CID ક્રાઈમની તપાસમાં સામે આવ્યું છે. CID ક્રાઈમે 17 ટીમો બનાવી અમદાવાદ, ગાંધીનગર અને વડોદરા સહિતના શહેરોમાં આવેલી વિઝા કન્સલ્ટન્સીની ઓફિસોમાં દરોડા પાડીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.