ગાંધીનગર: ગુજરાતમાં આ વર્ષે ધોધમાર વરસાદ વરસ્યો છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. રાજ્યમાં ધોધમાર વરસાદના પગલે જૂનાગઢ, ગીર સોમનાથ, દ્વારકા અને ઘેડ પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. આ વર્ષનો વરસાદ કંઈક અલગ છે. માત્ર થોડા કલાકોમાં જ 10થી 15 ઈંચ સુધી વરસાદ ખાબકે છે.  પરેશભાઈ ગોસ્વામી હવામાન નિષ્ણાંતના જણાવ્યા અનુસાર,  આ વર્ષ અરબી સમુદ્રમાં બીપરજોય સાયક્લોન પસાર થયું ત્યારબાદ કોઈ મોટી સિસ્ટમ નથી બની,જેટલા પણ વરસાદ રાજ્યમાં જોવા મળ્યા તે બંગાળની ખાડી માંથી આવ્યા છે ત્યા લો પ્રેસર ઉદભવી ગુજરાત પરથી પસાર થયા છે. કલાઈમેન્ટ ચેંજના કારણે તમામ પ્રેશરો ગુજરાત પરથી પસાર થયા. કલાઈમેન્ટ ચેંજના કારણે ગુજરાતમાં વધુ વરસાદ વરસ્યો છે. 


આ સિવાય તેમણે વધુમાં કહ્યું કે,   બંગાળની ખાડીની સિસ્ટમ સીધી ગુજરાત પર આવતા આ સ્થિતિ સર્જાઈ છે. અરબી સમુદ્રમાં જળવાયું પરિવર્તન થયું. અરબી સમુદ્રમાં 40 વર્ષની અંદર 0.40થી 0.71 ડિગ્રી સુધી તાપમાન ઉંચુ આવ્યું છે.   આ વર્ષે કલાઈમેન્ટ ચેંજના કારણે વરસાદની પેટર્ન બદલાઈ છે. 


સુરત, નવસારી, તાપી અને ડાંગમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી


હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા સુરત, નવસારી, તાપી અને ડાંગ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.   હવામાન વિભાગની આગાહી  અનુસાર દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાને લઇને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે.  


રાજ્યમાં અન્ય કેટલાક વિસ્તારોમાં  સમાન્યથી છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.  હવામાન વિભાગે વેધર બુલેટિન જાહેર કર્યું છે.  હવામાન વિભાગે દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં  વરસાદની આગાહી કરી છે.  દમણ, દાદરાનગર હવેલી, ભાવનગર, મહેસાણા, ગીર સોમનાથમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. 


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર,  કચ્છ, બનાસકાંઠા, દ્વારકા, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, આણંદ અને વડોદરામાં સામાન્ય વરસાદની આગાહી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદ શહેરના એસજી હાઈવે, એસપી રીંગ રોડ, ઈસ્કોન, વૈષ્ણોદેવી, શેલા, બોપલ, પ્રહલાદનગર, શિવરંજની, શ્યામલ, જીવરાજ પાર્ક સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. 


ગુજરાત રિજનમાં આગામી 24 કલાક દરમિયાન કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જેમાં સુરત, ડાંગ, નવસારી, તાપીમાં ભારે વરસાદ થવાની સંભાવનાઓ છે. અમદાવાદમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.