Cold Wave: ગુજરાતમાં ઠંડીમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં એક જ દિવસમાં લઘુતમ તાપમાનમા બે ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. નલિયામાં સીઝનનું સૌથી નીચું 8.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આગામી ત્રણ દિવસ નલિયામાં આઠથી દસ ડિગ્રી તાપમાન રહેવાની આગાહી કરવામાં આવી છે.
રાજ્યના 10 શહેરમાં ઠંડીનો પારો ગગડીને 15 ડિગ્રીની નીચે નોંધાયો હતો. ભૂજમાં 12.5 ડિગ્રી, અમરેલી,રાજકોટમાં ઠંડીનો પારો ગગડીને 12.6 ડિગ્રી પર પહોંચ્યો હતો. ગાંધીનગર, કેશોદમાં ઠંડી 13.5 ડિગ્રી,તો પોરબંદરમાં 13.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.સતત છઠ્ઠા દિવસે અમદાવાદમાં લઘુતમ તાપમાનનો પારો 16 ડિગ્રી વધુ નોંધાયો હતો. આગામી દિવસોમાં ઠંડીનો પારો ગગડે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં ફરી માવઠાની આગાહી કરી છે. અરબ સાગરનો ભેજ ગુજરાત સુધી પહોંચતા સાતથી દસ જાન્યુઆરીએ કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરાઇ છે. દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં કમોસમી વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરી છે. ઉત્તર પૂર્વ ગુજરાત અને કચ્છના ભાગોમાં પણ માવઠું પડે તેવી સંભાવના છે.
હવામાન વિભાગના મતે આગામી 3 દિવસ સુધી ઉત્તર પશ્ચિમ અને પૂર્વ ભારતના અનેક રાજ્યમાં ઠંડીનું જોર વધશે. આ સાથે ગાઢ ધુમ્મસનું પણ એલર્ટ જાહેર કરાયું છે. દેશના અનેક રાજ્યોમાં આગામી દિવસોમાં ઠંડીનો પ્રકોપ વધુ વધે તેવી શક્યતા છે. હવામાન વિભાગે 5 થી 11 જાન્યુઆરી દરમિયાન મધ્ય ભારતના કેટલાક ભાગોમાં તાપમાનમાં ઘટાડો અને શીત લહેર થવાની આગાહી કરી છે. જેના કારણે લોકોને દિવસે પણ કડકડતી ઠંડીનો માર સહન કરવો પડી શકે છે.
ન્યૂઝ એજન્સી ANI અનુસાર, IMDના ડાયરેક્ટર જનરલ ડૉ. મૃત્યુંજય મહાપાત્રાનું કહેવું છે કે રાત્રિના તાપમાનમાં ઘટાડો થઈ શકે છે, જેના કારણે મધ્ય ભારતના કેટલાક ભાગો અને મેદાની વિસ્તારો, ખાસ કરીને મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રના ઉત્તરીય વિસ્તારો, હરિયાણા અને રાજસ્થાનની આસપાસના વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ વધશે. દિવસનું તાપમાન પણ સામાન્યથી નીચે રહેવાની ધારણા છે.
આ ઉપરાંત ઓછા દબાણવાળા વિસ્તારોમાં ખાસ કરીને લક્ષદ્વીપમાં આગામી 3 દિવસમાં ભારે વરસાદની સંભાવના છે. લક્ષદ્વીપ વિસ્તારમાં 40 થી 50 કિમીની ઝડપે ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. હવામાન વિભાગે માછીમારોને આ સ્થળોએ દરિયા કિનારે ન જવાની સલાહ આપી છે.