હવામાન વિભાગના પ્રાદેશિક ડિરેક્ટર જયંતા સરકારે જણાવ્યું હતું કે, વાવાઝોડું ઓમાનના દરિયાકાંઠા તરફ ફંટાઈ રહ્યું છું. IMDની વેબસાઈટ મુજબ ‘ક્યાર’ વાવાઝોડું આગામી 6થી 12 કલાકના સમયગાળામાં તીવ્રથી વધુ તીવ્ર બની શકે છે.
જયંતા સરકારે જણાવ્યું હતું કે, અમે પહેલાંથી બંદરો પર લેવલ-2ની ચેતવણી જાહેર કરી છે અને માછીમારોને આગામી 2 દિવસ દરિયો ન ખેડવાની સલાહ આપી છે. વાવાઝોડાની દિશાના કારણે તે ગુજરાતને વધારે અસર કરશે નહીં. પરંતુ તેના કારણે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના કેટલાંક જિલ્લાઓમાં વરસાદ પડે તેવી સંભાવના છે.
હવામાન વિભાગની વેબસાઈટ મુજબ તાપી, સુરત, વલસાડ, નવસારી, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરની સાથે કેન્દ્ર શાસિત પ્રદેશ દિવ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં શનિવારે વાવાઝોડા સાથે હળવો વરસાદ પડે તેવી સંભાવના છે. અમદાવાદમાં હવામાન વાદળ છાયું રહેશે. એક્સપર્ટ્સ મુજબ કમોસમી વરસાદથી ગુજરાતમાં તહેવાર બગડવા સાથે ઊભા પાકને પણ નુકસાન થશે.