કોરોનાનું સંક્રમણ વધતા અમદાવાદ સહિત અન્ય મહાનગરોમાં લાદવામાં આવેલા રાત્રી કર્ફ્યુ અંગે આજે નિર્ણય લેવાઈ શકે છે. રાત્રી કર્ફ્યૂ હટાવવો કે નહી તે અંગે આજે હાઈપાવર કમિટિની બેઠકમાં નિર્ણય લેવાઈ શકે છે.

31 ડિસેમ્બરે રાત્રી કર્ફયૂની સમય મર્યાદા પૂર્ણ થઈ રહી છે. ત્યારે સરકાર રાત્રી કર્ફ્યૂમાં છુટછાટ આપશે કે નહી પછી કર્ફયૂ યથાવત રાખશે તે અંગે આજે નિર્ણય લેવાઈ શકે છે. સાથે જ આગામી મહિને ઉત્તરાયણ આવી રહી છે. તેને લઈને પતંગના વેપારીઓ, હોટેલ સંચાલકોએ સાથે ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સે પણ કર્ફ્યૂમાં છુટછાટ આપવાની માંગ કરી છે. ત્યારે મુખ્યમંત્રીના નિવાસસ્થાને આજે સાંજે સાત વાગ્યે મળનારી હાઈપાવર કમિટીની બેઠકમાં રાત્રિ કર્ફ્યૂ અંગે ચર્ચા કરવામાં આવશે. ઉપરાંત ઉત્તરાયણની માર્ગદર્શિકાને પણ આખરી ઓપ અપાશે.

નોંધનીય છે કે, મહાનગરોમાં નાઈટ કર્ફ્યુ અંગે હાઈકોર્ટ પણ ટકોર કરી ચૂકી છે. ગુરૂવારના હાઈકોર્ટમાં કોરોનાની સ્થિતિ અંગે થયેલી જાહેર હિતની અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં હાઈકોર્ટે સરકારને ટકોર કરી હતી કે દિવાળી બાદ કોરોનાની સ્થિતિ વણસી હતી, તેમ ઉત્તરાયણ બાદ આવી સ્થિતિ સર્જાય તો તેની જવાબદારી કોની રહેશે ?

ઉત્તરાયણને લીધે 2021નું આખું વર્ષ ફરીથી ન બગડે તે જોવાની જવાબદારી સરકારની છે. એક વર્ષ ઉત્તરાયણ નહીં ઉજવાય તો ચાલશે. 25 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી સુધીનો સમય તમારે વધુ કાળજી રાખવી પડશે. વધુમાં સરકારને કહ્યું કે ચિંતા ન કરો કે લોકો નિરાશ થશે, બધાને ખુશ નહીં રાખી શકાય તો હાઈકોર્ટે સરકારને નાઈટ કર્ફ્યુ ક્યાં સુધી ચાલુ રાખવાનો છે તે અંગે સવાલ પૂછ્યો. જેના જવાબમાં સરકાર તરફથી એડવોકેટ જનરલે કહ્યું કે જાન્યુઆરી સુધી યથાવત રાખવાનું આયોજન છે. ત્યારે હાઈકોર્ટે પણ કહ્યું કે નાઈટ કર્ફ્યુથી કોરોના સંક્રમણ કાબૂમાં લેવા સફળતા મળી છે ત્યારે યથાવત રાખવો જ જોઈએ એટલે નાઈટ કર્ફ્યુ લંબાઈ તે નિશ્ચિત છે.