ગાંધીનગર: ગુજરાત તેની સમૃદ્ધ જૈવવિવિધતા માટે જાણીતું છે અને રાજ્ય સરકાર વન્યજીવોના જતન માટે સતત પ્રયત્નશીલ છે. આ પ્રયાસોના ભાગરૂપે વર્ષ ૨૦૨૩માં કરવામાં આવેલી વરુ વસ્તી ગણતરીમાં એક સારા સમાચાર સામે આવ્યા છે. રાજ્યના ૧૩ જિલ્લામાં અંદાજે ૨૨૨ વરુ નોંધાયા છે, જેમાં સૌથી વધુ ૮૦ વરુ ભાવનગર જિલ્લામાં જોવા મળ્યા છે.
‘ગીર’ ફાઉન્ડેશનના અભ્યાસ મુજબ હાલ રાજ્યના ૧૩ જિલ્લામાં કુલ ૨,૨૧૭.૬૬ ચો. કિમી.ના વિસ્તારમાં વરુનો વસવાટ છે. વરુ પ્રજાતિના રક્ષણ માટે ‘ગીર’ ફાઉન્ડેશન દ્વારા રીમોટ સેન્સીંગ અને જીઆઈએસ જેવી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને નકશાપોથી (એટલાસ) તૈયાર કરવામાં આવી છે. આ નકશાપોથી વરુના મુખ્ય નિવાસસ્થાનો અને તેને જોડતા મહત્વપૂર્ણ કોરિડોરને ઓળખવામાં મદદરૂપ થશે.
વરુ વસ્તી ગણતરીની વિગતો:
વર્ષ ૨૦૨૩માં વન વિભાગ અને ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (‘ગીર’) ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવેલી વરુ વસ્તી ગણતરીમાં નીચે મુજબના પરિણામો મળ્યા છે:
- કુલ વરુ: અંદાજે ૨૨૨
- સૌથી વધુ વરુ: ભાવનગર (૮૦)
- અન્ય જિલ્લાઓ: નર્મદા (૩૯), બનાસકાંઠા (૩૬), સુરેન્દ્રનગર (૧૮), જામનગર અને મોરબી (૧૨-૧૨), કચ્છ (૦૯), પોરબંદર, મહેસાણા, નવસારી, પાટણ, અરવલ્લી અને સુરત.
‘ગીર’ ફાઉન્ડેશન અને ગુજરાત વન વિભાગના સહયોગથી તૈયાર કરવામાં આવેલી વરુના નિવાસસ્થાનોની નકશાપોથીનું વિમોચન તારીખ ૨૫ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ ‘સુ-શાસન’ના દિવસે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ નકશાપોથીનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યમાં વરુના અનુકૂળ આવાસોને ઓળખવાનો છે, જેથી તેમના સંરક્ષણને પ્રાધાન્ય આપી શકાય અને વરુની વસ્તીમાં વધારો કરી શકાય. આ નકશાપોથીમાં વરુના અનુકૂળ વિસ્તારો વિશે વિસ્તૃત માહિતી ઉપલબ્ધ છે.
ગુજરાતમાં વરુ મુખ્યત્વે જંગલ અને રણ વિસ્તારોમાં જોવા મળે છે. આ એટલાસ મુજબ વરુ માટે અનુકૂળ નિવાસસ્થાનો મુખ્યત્વે ખુલ્લા ઝાડીવાળા વિસ્તારો અને પાણીના સ્ત્રોતોની ઉપલબ્ધતા સાથેના ઘાસના મેદાનો છે. કચ્છના નાના અને મોટા રણ તેમજ ભાલ વિસ્તાર અને નર્મદા જિલ્લાના શૂળપાણેશ્વર અભ્યારણ્યના જંગલો પણ વરુના મહત્વના નિવાસસ્થાનો છે.
આ નકશાપોથી વરુના મુખ્ય નિવાસસ્થાનોને જોડતા ‘કોરિડોર’ને ઓળખવામાં પણ મદદરૂપ થશે, જે વરુની હિલચાલ અને આનુવંશિક વિવિધતા માટે મહત્વપૂર્ણ છે.
‘ગીર’ ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરવામાં આવેલો આ એટલાસ ગુજરાતમાં ભારતીય વરુના નિવાસસ્થાનોને અસરકારક રીતે સંચાલિત અને સંરક્ષિત કરવા માટે માર્ગદર્શક સાધન તરીકે ઉપયોગી થશે. આ ઉપરાંત વરુઓનું જતન તેમજ ખોટી માન્યતાઓને દૂર કરવા વન વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ, સંશોધકો, પ્રકૃતિપ્રેમીઓ અને સંરક્ષણવાદીઓ દ્વારા જંગલો અને રણ પાસે વસવાટ કરતા નાગરિકોને વરુને બચાવવા અને તેમનું જતન કરવા પ્રોત્સાહિત કરવામાં આવશે.
આ પણ વાંચો....
84 વર્ષના દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાની મોટી જાહેરાત, '2027માં ભાજપ...'