છોટાઉદેપુર: આ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. છોટાઉદેપુરમાં એક અજાણી મહિલા નાના બાળકને મૂકીને ફરાર થઈ ગઈ છે. છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં સાત-આઠ મહિનાના શિશુને મૂકીને મહિલા ફરાર થઈ જતા અરેરાટી મચી ગઈ છે. બાળક કોણ છે ? કોણ મૂકી ગયું ? કેમ મૂકી ગયું ? જેવા અનેક સવાલો થયા ઉભા થયા છે.


હોસ્પિટલ પ્રશાસને પોલીસને જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે. CCTV આધારે પોલીસે મહિલાની શોધખોળ શરુ કરી છે. અજાણી મહિલા પ્રસુતિ વિભાગમાં દર્દીના સગાને બાળકને સોંપી વોશરૂમ જવાનું કહી ફરાર થઈ ગઈ હતી. હાલ બાળક જનરલ હોસ્પિટલના બાળકોના વોર્ડમાં છે અને અહીં ફરજ ઉપર હાજર નર્સ બાળકની સારસંભાળ રાખી રહી છે. 


 શેલ નદીમાં ડૂબી જવાથી 3ના મોત


 



ધારીના લાખાપાદર શેલ નદીમાં ત્રણ વ્યક્તિના ડૂબી જવાથી મોત નિપજ્યા છે. અહીં નદીમાં ન્હાવા આવેલ ત્રણેય વ્યક્તિઓના ડૂબી જવાથી  મોત નિપજતા અરેરાટી મચી ગઈ છે. લાખપાદર બુધેશ્વર મહાદેવના મંદિર નજીક શેલ નદીમાં આ ગોજારી ઘટના બની છે. અમરેલી ગામના કિશોરભાઈ ડાંગર, રાજવીર ડાંગર  અને ગોરલબેન ડાંગરના ડૂબી જવાથી મોત નિપજ્યા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. સ્થાનિકો દ્વારા ત્રણેય વ્યક્તિના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા ગામના સ્થાનિકો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. ત્રણેય વ્યક્તિઓના મૃતદેહને પીએમ માટે ચલાલા લઈ જવામા આવ્યા છે.


આગામી 24 કલાકમાં આ જિલ્લામાં પડશે


હવામાન વિભાગના તાજેતરના અપડેટ્સ મુજબ આગામી 24 કલાકમાં ફરી દક્ષિણ ગુજરાતને મેઘરાજા ઘમરોળશે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 24 કલાક દક્ષિણ ગુજરાતમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી છે. આજે વલસાડ,નવસારી,દમણ અને દાદરાનગરહવેલીમાં વરસાદનું અનુમાન છે. સાબરકાંઠા અને અરવલ્લીમાં આવતીકાલે ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના જૂનાગઢ અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદના સંકેત હવામાન વિભાગે આપ્યાં છે.