દુનિયામાં કોરોનાનો કહેર હજુ પણ યથાવત જ છે. જો કે રાહતની વાત છે કે દુનિયાભરમાં કોરોના રસીકરણ શરુ થઇ ગયું છે. ભારતમાં થોડા દિવસ પહેલા દુનિયાના સૌથી મોટા કોરોના વેક્સિનેશનનો પ્રારંભ થઇ ગયો છે અને પહેલા સ્વાસ્થ્યકર્મીઓ અને ફ્રન્ટલાઇન વર્કરોને કોરોના વેક્સિન આપવામાં આવી રહી છે.

પ્રત્યેક દિવસે દેશમાં કોરોના વેક્સિન લેનારા લોકોનો આંકડો વધી રહ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં 16 લાખ લોકોને કોરોના રસી આપવામાં આવી છે. દેશમાં કોરોના રસીકરણમાં કર્ણાટક સૌથી આગળ છે.

કર્ણાટકમાં અત્યાર સુધીમાં 1 લાખ 91 હજાર લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. તે સિવાય ઓડિશામાં 1 લાખ 52 હજાર લોકોને, આંધ્ર પ્રદેશમાં 1 લાખ 47 હજાર, ઉત્તર પ્રદેશમાં 1 લાખ 23 હજાર અને તેલંગણામાં 1 લાખ 10 હજાર કરતા વધારે લોકોને કોરોનાની રસી અપાઇ છે.

જો દુનિયાની વાત કરે તો અત્યાર સુધીમાં દુનિયાના 6 કરોડ કરતા વધારે લોકોને કોરોના રસી લાગી ચુકી છે. જેમાં અમેરિકા સૌથી આગળ છે. અમેરિકામાં 2 કરોડ લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી છે. આ સિવાય ચીનમાં પણ 1.5 કરોડ લોકે કોરોના રસી લીધી છે. ઉલ્લેખનીય છે કે બ્રિટનમાં સૌથી પહેલા કોરોના વેક્સિનેશનનો પ્રારંભ થયો હતો. ત્યાં અત્યાર સુધીમાં 63 લાખ કરતા વધારે લોકોને રસી આપવામાં છે.