નવી દિલ્હીઃ રિટાયર્ડ જનરલ ડીએસ હુડ્ડાના કહેવા પ્રમાણે સર્જિકલ સ્ટ્રાઇક પર રાજનીતિ કરવી યોગ્ય નથી. હુડાએ પાકિસ્તાન વિરુદ્ધ સપ્ટેમ્બર 2016માં સર્જિકલ સ્ટ્રાઇક ઓપરેશનનું નેતૃત્વ કર્યું હતું. જનરલ હુડ્ડાએ કહ્યું કે, અમે કોઇના રાજકીય ફાયદા માટે સૈન્ય કાર્યવાહી કરતા નથી અને સર્જિકલ સ્ટ્રાઇકને રાજનીતિથી દૂર રાખવા જોઇએ. જનરલ હુડ્ડાએ કહ્યું કે,  જોકે, કાર્યવાહી માટે સૈનિકોનું મનોબળ વધારવા માટે પ્રોત્સાહનની જરૂર છે પરંતુ સૈન્ય અભિયાનોનો સતત પ્રચાર કરવો યોગ્ય નથી. નોંધનીય છે કે જનરલ હુડા સૈન્યમાં નોર્ધન આર્મી કમાન્ડર હતા અને પાકિસ્તાન વિરુદ્ધ સર્જિકલ સ્ટ્રાઇકને અંજામ આપ્યો હતો. હુડા આર્મી મિલિટ્રી લિટરેચર ફેસ્ટિવલમાં રોલ ઓફ ક્રોસ બોર્ડર ઓપરેશન એન્ડ સર્જિકલ સ્ટ્રાઇક વિષય પર બોલી રહ્યા હતા.


સર્જિકલ સ્ટ્રાઇક પર બોલતા સૈન્યના પૂર્વ વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, મને લાગે છે કે સર્જિકલ સ્ટ્રાઇકની ખૂબ ચર્ચા થઇ રહી છેચ. સ્ટ્રાઇક કરવી જરૂરી હતી અને અમે કરી દીધી. હવે રાજનેતાઓને એ અંગે પૂછવું જોઇએ કે સર્જિકલ સ્ટ્રાઇક પર કેટલી રાજનીતિ કરવી જોઇએ.

તેમણે કહ્યું કે, અમેરિકન આર્મીએ પાકિસ્તાનમાં ઘૂસીને આતંકી ઓસામા બિન લાદેનને માર્યો હતો. તેનો અર્થ એ નથી કે ત્યારબાદ આતંકવાદ ખત્મ થઇ ગયો છે. સર્જિકલ સ્ટ્રાઇક એક ઓપરેશન હતું એવા ઓપરેશન સમયની માંગના હિસાબે થાય છે. પાકિસ્તાને પઠાણકોટ અને ઉરીમાં આતંકી હુમલાઓ કર્યા હતા.  જેનો જવાબ આપવા માટે સર્જિકલ સ્ટ્રાઇક કરવી જરૂરી હતી. એટલા માટે એ વિચારવું ખોટું છે કે સર્જિકલ સ્ટ્રાઇકથી પાકિસ્તાન સરખું રહેશે અને આતંકવાદ ખત્મ થઇ જશે. એક સવાલના જવાબમાં જનરલે કહ્યું કે, આ સર્જિકલ સ્ટ્રાઇક ગુપ્ત રાખવામાં આવે તે ઠીક છે. આ સર્જિકલ સ્ટ્રાઇક ઓછામાં સમયમાં નાના ટાર્ગેટ બનાવવાની રણનીતિ છે જેનો ઉદ્દેશ્ય પાકિસ્તાન સૈન્યને ભવિષ્યના આતંકવાદી હુમલાઓને સમર્થન કરતા રોકવા જેવા સામરિક ઉદેશ્ય નહોતો.