મથુરાઃ શહેરમાં દબાણ હટાવવા દરમિયાન ભડકેલી હિંસામાં બે પોલીસ કર્મી સહિત 24 લોકોનાં મોત થયા હતા. ઘટના પર પ્રતિક્રિયા આપતા યુપીના ડીજીપી જાવીદ અહમદે જણાવ્યું હતું કે, 'જવાહર બાગમાં પોલીસ પર હથિયાર અને લાકડીઓથી હૂમલો થયો હતો. તેમ છતા પોલીસે ઉપદ્રવીઓનો સામનો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, હાલ જવાહર બાગને ખાલી કરાવી દેવામાં આવ્યો છે. ઉપદ્રવીઓએ પોલીસ સામે વિસ્ફોટકો ઘાતક હથિયારોનો ઉપયોગ કર્યો હતો. ઝુપડામાં ગેસ, સિલિંડર અને વિસ્ફોટકોને છુપાવીને રાખવામાં આવ્યા હતા.

ડીજીપીએ જણાવ્યું હતું કે, પોલીસે શાંતિ પૂર્વક હિંસા પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતું જ્યારે પરિસ્થિતિ બેકાબૂ બનતા બળપ્રયોગ કરવો પડ્યો હતો. તેમણે હિંસામાં શહીદ થયેલા એસપી સિટી મુકુલ દ્વિવેદી અને એચએસઓ સંતોષ યાદવને શ્રદ્ધાંજલી આર્પી હતી. તેમણે શહીદોના પરિવારોને સહાયતા આપવાની જાહેરાત પણ કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કાર્યવાઇ દરમિયાન 22 ઉપદ્રવીઓના મોત થયા હતા. તપાસ દરમિયાન 47 પિસ્તોલ, અને 5 રાઇફલ મળી આવ્યા હતા જ્યારે 150 જીવતા કાર્તુશ પણ મળી આવ્યા હતા.

આ હિંસા દરમિયાન એસપી અને એચએસઓ સહિત 24 લોકોના મોત થયા હતા તેમજ ઘણા પોલીસ કર્મીઓ ઘાયલ પણ થયા હતા. જવાહર બાગમાંથી મોટી માત્રામાં હથિયાર કબ્જે કરવામાં આવ્યા છે.