નવી દિલ્હી: કેન્દ્રીય કેબિનેટની બેઠક બાદ કેંદ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે આજે બે મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. કેબિનેટે પ્રધાનમંત્રી અને સાંસદોના પગારમાં 30 ટકા કાપ મૂકવાનો નિર્ણય કર્યો છે. 1 વર્ષ સુધી પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ સહિત સાંસદોના પગારમાં કાપ મુકાશે. આ અંગેની માહિતી કેબિનેટ બેઠક પછી પ્રકાશ જાવડેકરે પ્રેસ કોન્ફરન્સ કરીને આપી હતી.




પ્રધાનમંત્રી રાહત ફંડમાં આ રકમ જમા કરાવવામાં આવશે. 2 વર્ષ માટે સાંસદને મળતું ફંડ સ્થગિત કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિએ પણ સ્વેચ્છાએ પોતાના વેતનમાં 30 ટકા કાપ મુકવાની માંગ કરી છે. બે વર્ષ સુધી કોઈપણ સંસદ સભ્યને સંસદ નિધિ ફંડમાં કોઈ પૈસા નહી મળી. બે વર્ષમાં દરેક સંસદ સભ્યને 10 કરોડ રૂપિયા મળતા હોય છે.



ભારતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 4 હજારને પાર પહોંચી છે. સોમવારે મહારાષ્ટ્રમાં 33, ગુજરાતમાં 16, આંધ્રપ્રદેશમાં 14, રાજસ્થામાં 8 અને ઝારખંડમાં 1 નવો કેસ સામે આવ્યો છે. દેશમાં ખતરનાક વાયરસના કારણે અત્યાર સુધીમાં 109 મોત થયા છે.