નવી દિલ્હીઃ લોકડાઉન ખુલવાની સાથે જ કોરાબોરી ગતિવિધિ શરૂ થઈ ગઈ છે. પરંતુ MSME સેકટરની મુશ્કેલી યથાવત છે. સરકાર ભલે આ સેક્ટર માટે ત્રણ લાખ કરોડ રૂપિયાના લોન પેકેજની જાહેરાત કરી હોય તેમ છતાં 30 થી 35 ટકા એમએસએમઈ બંધ થઈ શકે છે.


ઓલ ઈન્ડિયા મેન્યુફેક્ચરિંગ ઓર્ગેનાઇઝેશન (AIMO)એ બીજા ઉદ્યોગ સંગઠનો સાથે મળીને જે સર્વે કર્યો છે તેમાં આ વાત સામે આવી છે. સર્વે મુજબ, 35 ટકા એમએસએમઈ તથા 37 ટકા સ્વરોજગાર કરતાં વેપારીએ કહ્યું તેમનો કારોબાર ફરીથી ઉભો નહીં થઈ શકે. આ સર્વેમાં 46,425 એમએસએમઈ, સ્વરોજગાર કરતાં કારોબોરીઓ, કોર્પોરેટ સીઈઓ તથા કર્મચારીઓને સવાલ પૂછવામાં આવ્યા હતા.

આ સર્વે 24 મે થી 30 મે વચ્ચે કરવામાં આવ્યો હતો. જેમાં 32 ટકા એમએસએમઈએ કહ્યું કે, તેમને બેઠા થવામાં છ મહિના લાગી જશે. 12 ટકાએ કહ્યું રિકવરીમાં ત્રણ મહિનાથી વધારે સમય નહીં લાગે. સર્વેમાં કોર્પોરેટ સીઈઓ થોડા આશાવાદી જોવા મળ્યા, તેમણે કહ્યું- ત્રણ મહિનામાં રિકવરી થઈ જશે.

ઓલ ઈન્ડિયા મેન્યુફેક્ચરર્સ એસોસિએનના પૂર્વ પ્રમુખ કે.ઈ.રઘુનાથને કહ્યું, લોકડાઉનના કારણે કામકાજ ઘટવાથી અને ભવિષ્યની અનિશ્ચિતતા સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ (MSME)ની મોટીં ચિંતા છે. એમએસએમઈ બંધ થવાની વધતી આશંકા પાછળ માત્ર કોવિડ-19ની અસર જવાબદાર નથી. છેલ્લા ત્રણ વર્ષથી નાના ઉદ્યોગ અનેક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. નોટબંધી અને જીએસટીની મોટી અસર થઈ છે.

દેશમાં છ કરોડ એમએસએમઈ છે અને તેમાંથી આશરે 11 કરોડ લોકોને રોજગારી મળે છે. દેશના કુલ મેન્યુફેક્ચરિંગ આઉટપુટમાં તેનો હિસ્સો 45 ટકા છે. કુલ નિકાસમાં તેનો હિસ્સો 40 ટકા છે.