નવી દિલ્હીઃ હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં થઇ રહેલી વડાપ્રધાન મોદીની રેલીમાં જઇ રહેલી સ્કૂલના બાળકોની બસ પલટી ખાઇ ગઇ હતી. બસ પલટતાં લગભગ 35 બાળકો ઇજાગ્રસ્ત થયા હતા જેમાં પાંચની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. કોમ્પ્યુટર સેન્ટરના તમામ બાળકો ધર્મશાળામાં થઇ રહેલી વડાપ્રધાન મોદીની રેલીમાં ભાગ લેવા જઇ રહ્યા હતા. હિમાચલપ્રદેશમાં ભાજપ સરકારના એક વર્ષ પૂરા થવાના અવસર પર આ રેલી યોજાઇ રહી છે.

કહેવામાં આવી રહ્યું છે કે નગરોટા સુરિયાના કોમ્પ્યુટર સેન્ટરમાં સ્કિલ ડેવલપમેન્ટ સ્કૂલના આ બાળકો વડાપ્રધાન મોદીની રેલીમાં ભાગ લેવા જઇ રહ્યા હતા. 32 બેઠકની આ પ્રાઇવેટ બસમાં કુલ 45 લોકો સવાર હતા. સ્થાનિક લોકોના સહયોગથી તમામ બાળકોને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા છે. નોંધનીય છે કે 27 ડિસેમ્બર 2017ના રોજ મુખ્યમંત્રી જયરામ ઠાકુરને પોતાના 11 મંત્રીઓ સાથે શપથગ્રહણ કર્યા હતા. તે કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સામેલ થયા હતા.