નવી દિલ્હીઃ પુલવામા આતંકી હુમલા બાદ બાલાકોટ એર સ્ટ્રાઇક કરનારા એરફોર્સના પાંચ પાયલટોને સ્વતંત્રતા દિવસના અવસર પર વાયુસેના મેડલથી સન્માનિત કરવામાં આવશે. વીરતા પુરસ્કારોમાં આ વખતે બાલાકોટ એર સ્ટ્રાઇકના વીરોને ખૂબ સન્માન મળ્યું છે. નોંધનીય છે કે બાલાકોટ બાદ પાકિસ્તાન એફ-16 વિમાનને તોડી પાડનારા વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને વીર ચક્ર અને સ્ક્વોડ્રન લીડર મિંટી અગ્રવાલને યુદ્ધ સેવા મેડલથી સન્માનિત કરવામાં આવશે.

એરફોર્સના વિંગ કમાન્ડર અમિત રંજન, સ્ક્વોડ્રન લીડર્સ રાહુલ બોસાયા, પંકજ ભુજડે, બીકીએન રેડ્ડી અને શશાંક સિંહ બાલાકોટમાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના અડ્ડાઓ પર હુમલા માટે વાયુસેના મેડલથી સન્માનિત કરવામાં આવશે. આ તમામ પાયલટોએ મિરાજ-2000 ફાઇટર પ્લેનના પાયલટ છે. આ તમામ પાયલટોએ જૈશના અડ્ડાઓને નેસ્તનાબૂદ કરી દીધા હતા. બાદમાં તમામ સુરક્ષિત રીતે ભારતીય સીમામાં ઘૂસી આવ્યા હતા.

જ્યારે વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને સ્વતંત્રતા દિવસ પર વીર ચક્રથી સન્માનિત કરવામાં આવશે. 14 ફેબ્રુઆરીના રોજ જમ્મુ કાશ્મીરના પુલવામા વિસ્તારમાં સીઆરપીએફના કાફલા પર આતંકી હુમલો કરવામાં આવ્યો હતો. તેમાં 40 જવાન શહીદ થયા હતા. તેવામાં આ હુમલાના 13 દિવસ પછી ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં ઘૂસી આતંકી કેમ્પને ટાર્ગેટ બનાવ્યા હતા.

આ હુમલાનો બદલો લેવા પાકિસ્તાને બીજા દિવસે ભારતીય સીમામાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. અને ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્થમાને મિગ 21 થી પાકિસ્તાનના એફ-16 લડાકૂ વિમાનને ડોગફાઇટમાં નિયંત્રણ રેખા પર તોડી નાંખ્યું હતું.વીર ચક્ર ભારતમાં યુદ્ધના સમયે આપવામાં આવતું ત્રીજું સર્વોચ્ચ સન્માન છે.