દિવાળી સમયે જ પાકિસ્તાને સરહદ પર નાપાક હરકતો કરી છે. પાકિસ્તાની સેનાએ જમ્મૂ કશ્મીરના ઉરીથી ગુરેજ સેક્ટરમાં અંકુશ રેખા પર યુદ્ધવિરામનો ભંગ કરી ભારે તોપમારો કરતાં પાંચ જવાન અને છ નાગરિકોના મોત થયા. ભારતના જડબાતોડ જવાબમાં પાકિસ્તાનના પણ સાતથી આઠ સૈનિકો માર્યા ગયા છે.


ભારતીય દળોએ પાકિસ્તાનના અનેક બંકરો અને ચોકીઓ ઉડાવી દીધી છે. પાકિસ્તાને પાંચ સેક્ટરો પર અવળચંડાઈ કરી છે. છેલ્લા એક સપ્તાહથી પાકિસ્તાન સતત ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યું છે. એક સપ્તાહની અંદર પાકિસ્તાને બે વખત ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો.

આ પહેલા સાતથી આઠ નવેમ્બરની મધ્ય રાત્રિએ માછીલ સેક્ટરમાં ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો. જેમાં સેનાએ 3 આતંકીઓને ઠાર કર્યા હતા. જેમાં સેનાના એક કેપ્ટન અને બીએસએફના એક જવાન સહિત 3 જવાનો શહીદ થયા હતા.

આ સપ્તાહમાં બીજી વખત પાકિસ્તાને સીઝફાયર તોડ્યું છે. આ વર્ષે પાકિસ્તાન તરફથી 4052 વખત સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. તેમાં 128 વખત નવેમ્બર અને 394 વખત ઓક્ટોબરમાં સીઝફાયર થયું છે. ગત વર્ષે 3233 વખત સીઝફાયરનું ઉલ્લંઘન થયું છે.