દેશમાં ચાલી રહેલ રસીકરણ ડ્રાઈવની વચ્ચે સર્વે એજન્સી લોકલ સર્કલ્સે લોકોમાં રસીની સ્વીકાર્યતાને લઈને સર્વે કર્યો છે. દેશના 230 જિલ્લામાં કરવામાં આવેલ આ સર્વેમાં સામેલ 62 ટકા લોકો તરત જ રસી લેવા માટે તૈયાર નથી. લોકલ સર્કલ્સમાં આ સર્વેમાં કુલ 17 હજાર લોકોએ ભાગ લીધો હતો. સર્વેમાં સામેલ લોકોને રસીની સ્વીકાર્યતા અને અસ્વીકાર્યતાને લઈને સવાલ પૂછવામાં આવ્યો તો આ સાવલના જવાબમાં 8658 એટલે કે 32 ટકા લોકોએ કહ્યું કે તેઓ રસી લેવા માટે તૈયાર છે.
સર્વેમાં 6 ટકા લોકોએ કહ્યું કે, જ્યારે રસી પ્રાઈવેટ માર્કેટમાં આવશે ત્યારે લેશે. જ્યારે 22 ટકા લોકોએ કહ્યું કે તેઓ હજુ ત્રણ મહિના સુધી રાહ જોશે અને ત્યાર બાદ નિર્ણય કરશે. 14 ટકાએ કહ્યું કે, તે 3થી 6 મહિના સુધી રાહ જોશે અને બીજા 14 ટકા લોકોએ કહ્યું કે, 6થી 12 મહિના સુધી રાહ જોશે જ્યારે ત્રણ ટકાએ કહ્યું કે, 12 મહિનાથી પણ વધારે સમય સુધી રાહ જોવા માટે તૈયાર છે અને આગામી વર્ષે રસી લગાવવાને લઈને નિર્ણય કરશે. આ સર્વેનો નિષ્કર્ષ એ રહ્યો કે 62 ટકા લોકોને હાલમાં રસી લેવાની કોઈ ઉતાવળ નથી.
સર્વેમાં સામેલ લોકોને પૂછવામાં આવ્યું કે રસી ન લેવા પાછળનું સૌથી મોટું કારણ શું છે તો 58 ટકા લોકોએ કહ્યું કે, હાલમાં તેની સાઈડ ઇફેક્ટ વિશે પૂરી રીતે ખબર નથી પડી. જ્યારે 18 ટકા લોકોએ કહ્યું કે, રસી કેટલી કારગર છે એ હજુ સ્પષ્ટ નથી. 11 ટકા લોકોનું માનવું છે કે રસીની જરૂરત નથી કોરોના એમ જ ખત્મ થઈ જશે. જ્યારે 8 ટકા લોકોએ ખટકાટ શેનો છે તે કારણ ન જણાવી શક્યા.
લોકલ સર્વેમાં આ પહેલા દેશમાં રસીની મંજૂરી મળ્યા પહેલા પણ એક સર્વે કર્યો હતો. આ સર્વે ડિસેમ્બરથી જાન્યુઆરીની વચ્ચે કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં 69 ટકા લોકોએ કહ્યું હતું કે તે રસી નહીં લે. તાજા સર્વેના પરિણામથી સ્પષ્ટ છે કે લોકોમાં રસીને લઈને ધીમે ધીમે જાગરૂકતા આવી રહી છે. લોકોમાં રસીને લઈને ભય અને ભ્રમની સ્થિતિ છે.